બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્રોના સીસીટીવીની ચકાસણી કરવાનો આદેશ

પરીક્ષા દરમિયાન ફુટેજમાં વીડિયોની સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ હશે

ભુજ : કચ્છ સહિત ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ૧પ જુલાઈથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧રના રિપીટર, ખાનગી અને પૃથ્થક તેમજ માસ પ્રમોશનથી નાખૂશ હોશિયાર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ તમામ ડીઈઓને પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ચાલુ હોવા અંગેનો અહેવાલ મોકલવા આદેશ કર્યો છે. જેથી હવે જે શાળાઓને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં કેમેરાની વ્યવસ્થા છે કે કેમ તેની ચકાસણી કરી બોર્ડને અહેવાલ સુપરત કરવાના આદેશથી કચ્છનું શિક્ષણ વિભાગ ચકાસણીમાં લાગી ગયું છે.આ અંગેની વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા અંગેની માર્ગદર્શન સુચનાઓ પણ દરેક જિલ્લાના ડીઈઓને મોકલી આપી છે. કેમેરામાં વીડિયોની સાથે ઓડિયો રેકોર્ડિંગની પણ સુવિધા હોવી જોઈએ તે માટે પણ બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે, જેના કારણે કચ્છનો માધ્યમિક શિક્ષણ કચેરી જયાં કેમેરા લાગેલા છે ત્યાં ઓડિયો માટેની વ્યવસ્થા માટે કામે લાગ્યો છે. ધો.૧૦ અને ધો.૧ર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈ જિલ્લાની સીડી વ્યૂઈંગ તેમજ કોપી કેસ તૈયાર કરવા અંગેની કામગીરી વધારે સારી રીતે કરવા માટે તાકીદ કરી છે.કચ્છની જે શાળાઓને છેલ્લા ૩ વર્ષ દરમિયાન મંજુરી મળી હોય અને તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યો હોય તેવી શાળાની નોંધણીની શરત મુજબ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત હોવી જરૂરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીના ઈન્સ્ટોલેશનથી સજ્જ હોય, સીસીટીવી કેમેરા કાર્યરત હોય તેમજ સીસીટીવીમાં ઓડિયો રેકોર્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ફૂટેજની ડીવીડીમાં ઓડિયો વીડિયો રેકોર્ડિંગ તૈયાર કરીને મોકલવા માટે સૂચના અપાઈ છે. કેન્દ્ર સંચાલક દ્વારા સમગ્ર પરીક્ષા માટે એક કમ્પ્યુટર જાણકાર કર્મચારીને સીસીટીવી અંગેની કામગીરી સોંપવાની રહેશે. દરેક બ્લોકમાં કેમેરાની સામેની બાજુની દિવાલ પર પરીક્ષાનો બ્લોક નંબર દર્શાવતો કાગળ લગાડવાનો રહેશે. કેમેરાની સામે દરેક બ્લોકમાં સ્ટાન્ડર્ડ સમય મેળવેલી ઘડિયાળ ગોઠવવાની રહેશે. કેમેરામાં સુપરવાઈઝર વ્યવસ્થિત દેખાય તે રીતે ગોઠવવાનું રહેશે. પરીક્ષા ખંડનું પરીક્ષા સમયથી ૧પ મિનિટ પહેલા અને ૧પ મિનિટ પછી સુધીનું રેકોર્ડિંગ કરવાનું રહેશે.

પરીક્ષાના દિવસે જ ફૂટેજની ચકાસણી કરી બોર્ડને અહેવાલ સુપરત કરાશે

ભુજ : શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં લેવામાં આવનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા દરમિયાન રોજેરોજ ફૂટેજની ચસકાણી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ આ માટે જિલ્લા કક્ષાએ એક ટીમ બનાવવાની રહેશે, આ ટીમ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ ફૂટેજની ચકાસણી કરી તે અંગેનો અહેવાલ બોર્ડને સુપરત કરશે. જો તેમાં કોઈ વાંધાજનક બાબત જણાશે તો તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના અપાઈ છે. ઉપરાંત ફૂટેજની ચકાસણીમાં કોઈ કર્મચારીની બેદરકારી જણાશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે. પરીક્ષા વખતે જે તે દિવસની પરીક્ષા પૂર્ણ થયા બાદ ફૂટેજ ઝોનલ કક્ષાએ સુપરત કરવાના રહેશે.

વીજ પુરવઠો જળવાય તે માટે વ્યવસ્થા કરવા આદેશ
ભુજ : બોર્ડની પરીક્ષા વખતે વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પત્ર લખી સૂચના આપી છે. જેમાં જણાવાયું છે કે, પરીક્ષા વખતે સતત વીજ પુરવઠો જળવાય તે માટે ડીઈઓએ વીજ અધિકારી સાથે ચર્ચા કરી વ્યવસ્થા કરવાની રહેશે. પરીક્ષા વખતે વીજ કંપની દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં ન આવે તે માટે પણ અધિકારીઓને સૂચના આપવા માટે તાકીદ કરવામાં આવી છે. આમ, બોર્ડની જુલાઈ માસમાં લેવાનારી પરીક્ષાઓને લઈને બોર્ડે તૈયારીઓ શરૂ કરી છે.