બોગસ સોફ્ટવેર ‘ઢીંગલી’ના માધ્યમથી સસ્તા અનાજનું કૌભાંડ આચરતા વેપારીઓ

(જી.એન.એસ),રાજકોટ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના પુરવઠા વિભાગને માહિતી આપી હતી કે ૩૨ જેટલા વેપારીઓ બોગસ સોફ્ટવેર થી રાજકોટમાં સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિતી આપી હતી. જેને લઈને પુરવઠા વિભાગે તપાસ કરતા ૩૨ નહિ પરંતુ ૧૦૦ જેટલા વેપારીઓ આ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા અને પોલીસના ચેકીંગમાં વેપારીઓ ઝડપાઇ નહિ તે માટે વેપારીઓ દ્વારા સોફ્ટવેરનું નામ ’ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રેશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટનો ’ગેમ સ્કેન’ અને ’સેવડેટા’ નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. અંદાજિત ૧૦૦ જેટલા વેપારીઓએ કરોડો રૃપિયાનું સસ્તા અનાજનું વેંચાણ કરવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ૧૯ ઓગસ્ટના રોજ ગાંધીનગર પુરવઠા નિયમકે રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને ૩૨ વેપારીઓ સામે તપાસ કરવા આદેશ કર્યો હતો. જોકે તપાસનું પેપર ફૂટી ગયું હતું. જેથી રાજકોટમાં તપાસ આવે તે પહેલાં જ વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલમાંથી એપ્લિકેશનો દૂર કરી દીધી હતી. આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે.સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા સસ્તા અનાજના કૌભાંડના તાર રાજકોટ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટ જિલ્લામાં ૧૦૦ વેપારીઓ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. એટલું જ નહીં વેપારીઓએ ચેકીંગ થી બચવા માટે બોગસ સોફ્ટવેરનું નામ ’ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠામાં બોગસ સોફ્ટવેર બનાવીને રેશનીંગનું અનાજ બરોબર વેંચવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેનું પગેરૂ રાજકોટ સુધી નીકળ્યું છે.