બોગસ મેડિકલ સર્ટીના આધારે કચ્છથી અન્ય જિલ્લામાં બદલી મેળવaનારા શિક્ષકોની તપાસ શરૂ

રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપતા કચ્છના શિક્ષણ જગતમાં ફફડાટ : શિક્ષકોના સંગઠનના અમુક હોદ્દેદારોએ ભૂમિકા ભજવી હોવાના ઘટસ્ફોટથી ઉતર્યા ભૂગર્ભમાં : રાપરના એક શિક્ષકને સસ્પેન્ડ કરાયો

ભુજ : કચ્છ સહિત રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે. લાંબા સમયથી દર વર્ષે શિક્ષકોની આંતર જિલ્લા ફેર બદલી કરવામાં આવે છે. જાેકે, અમુક કિસ્સામાં કચ્છમાં ફરજ બજાવતા શિક્ષકોએ બોગસ મેડિકલ સર્ટી રજૂ કરી પોતાના વતનમાં અથવા મનપસંદ જિલ્લામાં બદલી મેળવી કચ્છને બાય બાય કર્યું હોવાના કિસ્સા સામે આવ્યા છે. ખોટા તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરબદલીના કિસ્સા વધતા રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે. જેથી આવા પ્રમાણપત્રોની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. જેમાં તપાસનો રેલો કચ્છ સુધી પહોંચતા રાપરના એક શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ દર વર્ષે શિક્ષકોની બદલીનો કેમ્પ યોજાતો હોય છે. કચ્છ એ સરહદી જિલ્લો હોઈ અંતરિયાળ ગામોમાં બાળકોને શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા શિક્ષકોને જવાબદારી અપાતી હોય છે, પરંતુ શહેરની રોનકે રંગાયેલા અમુક શિક્ષકો ગામડાઓમાં નોકરી કરતા કચવાટ અનુભવે છે. જેથી તેઓ બોગસ મેડિકલ સર્ટી કે અન્ય કારણો રજૂ કરી પોતાની બદલી કરાવી લે છે. પરંતુ કેટલાક શિક્ષકો એવા પણ છે કે, જેઓ સરહદી વિસ્તારમાં સુવિધા વગર બાળકોને ભણાવી સરકારનો હેતુ સાર્થક કરે છે. માસ્તરોની આ કામગીરી જાેઈ કદાચ તેમની સરકારી કારણોસર બદલી થાય તો ગામના લોકો ખુદ બદલી અટકાવે છે. આવા કિસ્સાઓ પણ ભૂતકાળ લખપત, રાપર, ભુજ સહિતના વિસ્તારમાં સામે આવી ચૂક્યા છે. કચ્છ સહિત રાજ્યમાં ખોટા તબીબી પ્રમાણપત્રના આધારે જે લોકોએ પોતાની બદલી કરાવી છે તેની વિગતો તપાસ કરી ગાંધીનગર શિક્ષણ વિભાગને મોકલવા તમામ જિલ્લાઓમાં સૂચના અપાઈ છે. જેથી આવા કિસ્સાઓમાં સીઆઈડી તપાસ થશે. તપાસનો આ રેલો કચ્છમાં પણ પહોંચ્યો છે. જેમાં રાપર તાલુકામાં દાતારધાર ગામના શિક્ષકે રજૂ કરેલા તબીબી પ્રમાણપત્રો ખોટા હોવાનું સાબિત થતા સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે ભુજ તાલુકાના એક શિક્ષકની દસ્તાવેજાેની ચકાસણી ચાલુમાં છે જાે તેઓ ખોટા સાબિત થશે તો કાર્યવાહી થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં આ પ્રકારના શિક્ષકોની યાદી એક-બે નહીં પણ પાંચથી છ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બદલીઓ પાછળ શિક્ષકોના સંગઠનના અમુક હોદ્દેદારોએ પણ ભૂમિકા ભજવી હોવાના અહેવાલો શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યા છે. જાે તેઓની પણ તપાસ થવી જરૂરી છે. કચ્છમાં મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ભરતીમાં જાેડાઈ ઉમેદવારો શિક્ષકોની નિમણૂક મેળવી લે છે. બાદમાં થોડા સમય બાદ પોતાની યેનકેમ પ્રકારે બદલી કરાવી લે છે. જેથી જિલ્લામાં શિક્ષકોની ઘટ ક્યારેય પુરાઈ નથી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિએ કહ્યું કે, જે શિક્ષકને સસ્પેન્ડ કરાય છે અને જેની તપાસ ચાલુમાં છે તે બન્ને જુના કિસ્સા છે. હાલમાં તાજેતરમાં કોઈએ બોગસ સર્ટીને આધારે બદલી કરાવી હોય તેવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. અલબત્ત ગાંધીનગરથી આવા શિક્ષકોની યાદી આવશે જેના આધારે આગળની તપાસ કરવામાં આવશે.