બોગસ આરટીઈ પ્રવેશ પ્રકરણ કચ્છના ૮૧૧ પ્રવેશોની તપાસ પૂર્ણ : ૧પમીએ જિલ્લાકક્ષાએ રીપોર્ટ થશે રજૂ

અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ બોગસ પ્રવેશ ઝડપાઈ ચુકયા છે :
ગાંધીધામમાં બોગસ પ્રવેશની શંકાએ બીજી જિલ્લા કક્ષાએથી બીજીવાર તપાસના આદેશો અપાયા હતાં : કચ્છમાં કોઈ બોગસ પ્રવેશ ઝડપાશે કે પછી ઘીના ઠામમાં ઘી પડશે?

 

ભુજ : રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ચાલુ સાલે રાજ્યમાં અપાયેલ પ્રવેશોમાં વ્યાપક ગેરરીતિ આચરાતા રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો અપાયા હતા. ત્યારે કચ્છમાં પણ આરટીઈ અંતર્ગત અપાયેલા ૮૧૧ પ્રવેશોની તપાસ પણ આરંભાઈ હતી. ત્યારે આ તપાસ પૂર્ણ થઈ જતા આગામી ૧પમીએ તપાસ રીપોર્ટ જિલ્લા કક્ષાએ રજૂ થવાનો હોઈ કડાકા – ભડાકા થવાની સંભાવના સેવાઈ રહી છે.
ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારના બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) એકટ બનાવાયેલ. જે અંતર્ગત રાજ્યમાં દર વર્ષે હજારો બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાય છે. ત્યારે આ વર્ષે અપાયેલ આરટીઈ પ્રવેશમાં અનેક શ્રીમંત પરિવારના લોકોએ ખોટા દસ્તાવેજા રજૂ કરી પોતાના બાળકોને પ્રવેશ અપાવી દેતા ખુબ જ મોટી સંખ્યામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારના બાળકો પ્રવેશથી વંચિત રહી જતા આવા બોગસ આરટીઈ પ્રવેશોની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો અપાયા હતા. જે અંતર્ગત કચ્છમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ આરંભાઈ હતી. ત્યારે હવે આ તપાસ પૂર્ણ થઈ જતા ૧પમીએ જિલ્લા કક્ષાએ રીપોર્ટ સબમીટ થવાનો છે.
આ અંગે પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર કચ્છમાં ચાલુ વર્ષે આરટીઈ હેઠળ ૯૧૧ પ્રવેશ ઈશ્યુ કરાયા હતા. જે પૈકી ૮૧૧ બાળકોએ જે તે ખાનગી શાળામાં પ્રવેશ લીધો હતો. ત્યારે જિલ્લાના આ તમામ ૮૧૧ પ્રવેશોની તપાસના આદેશો અપાતા સીઆરસી, બીઆરસી, ટીપીઓ દ્વારા પ્રવેશોની ચકાસણી કરવામાં આવી હતી. તો ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ કેટલાક પ્રવેશોની જાત તપાસ કરાઈ હતી. આ તપાસ દરમ્યાન ગાંધીધામમાં બોગસ પ્રવેશ લેવાયા હોવાનું ધ્યાને આવતા શિક્ષણ વિભાગ દ્વારા બીજી વખત તપાસના આદેશો પણ અપાયા હતા. ત્યારે હવે તપાસ પૂર્ણ થઈ જતા તાલુકા કક્ષાએથી ૧પમીએ જિલ્લા કક્ષાએ રીપોર્ટ રજૂ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ બોગસ આરટીઈ પ્રવેશ બહાર આવ્યા છે ત્યારે કચ્છમાં આવા બોગસ પ્રવેશ બહાર આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે તે જાવું રહ્યું.