બે વ્યક્તિઓના અકસ્માતમાં મોત થતાં રસ્તા પરના ખાડાઓથી કચ્છી યુવાનને જીવનો જોખમ : પોલીસ પાસે સંરક્ષણ માંગ્યું

સરકારી તંત્રના બેદરકારી ભરેલા અને રેઢિયાળ કારભારનો વિરોધ કરવા એક્ટિવિસ્ટે પોલીસ પાસે કરી અનોખી માગણી

મુંબઈ : કચ્છમાં જેટલા કચ્છી રહે છે તેના કરતા સવાયા કચ્છી મુંબઈમાં રહે છે. કચ્છીઓ જયાં પર રહે છે તેમની ચર્ચા હંમેશા થતી રહે છે. હાલ કચ્છીઓની ચર્ચાનો મુખ્ય કારણ એક યુવાન છે. આ કચ્છી યુવાને રસ્તા પરના ખાડાઓથી બચવા પોલીસ પાસે સંરક્ષણની માંગણી કરી છે. હાલમાં જ આ રસ્તાના કારણે બે જણના મોત નિપજતા આ યુવાને પોલીસ સમક્ષ પત્ર લખી પોતાના જીવને આ ખાડાઓથી જોખમ છે તેેવું જણાવી પોલીસને પણ અચરજમાં મુકી દીધું છે. કલ્યાણમાં રસ્તા પર પડેલા ખાડાઓને લીધે એક જ મહિનામાં એક જ જગ્યા પર બે વ્યક્તિના અકસ્માતમાં મૃત્યુ થયા બાદ ડોમ્બીવલીના એક કચ્છી યુવાને પોલીસ સમક્ષ એક અનોખી માગણી કરી છે. ચિરાગ હરિયા નામના ૩૪ વર્ષના આ યુવાને ખાડાઓને કારણે પોતાના જીવને જોખમ છે એટલે પોતાને પોલીસ સંરક્ષણ આપવાની માગણી તેણે કલ્યાણ પોલીસ સમક્ષ કરી છે.
મુંબઈના ડોમ્બિવલી (ઈસ્ટ)માં રહેતા ચિરાગ હરિયા સ્ટોક માર્કેટમાં કામ કરે છે અને સાથે સોશ્યલ એક્ટિવિસ્ટ પણ છે. પોલીસને ઉદેશીને લખેલા પત્રમાં તેણે જણાવ્યું છે કે, કામને કારણે કયારેક મારે કલ્યાણ આવવું જવું પડે છે પણ શનિવારે કલ્યાણના શિવાજી ચોકમાં રોડ પરના ખાડાને કારણે થયેલા મહિલાના અકસ્માતના વીડિયો જોયા બાદ મને હવે કલ્યાણ જવા માટે ભય લાગી રહ્યો છે. આ માટે મને પોલીસ સિક્યોરીટી આપવા વિનંતી તેમ જ આ સિક્યોરીટી માટેનો ચાર્જ ભરવા પણ હું તૈયાર છું.
આ પ્રકારની અનોખી માગણી કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ જણાવતા ચિરાગ હરિયાએ કહ્યું હતું કે, જો કોઈ રોડ ચાલવા માટે યોગ્ય ન હોય અથવા રોડ પર ખાડા હોય તો મ્યુનિસીપલ કોર્પોરેશને રિપેરીંગ કરવું જોઈએ અથવા જયાં સુધી રીપેર ન થાય ત્યાં સુધી એ રોડને ચાલવા કે વાહન વ્યવહાર માટે બંધ કરી નાખવો જોઈએ. પણ અહીં તો કલ્યાણ – ડોમ્બિવલી મ્યુનિસીપલ કોર્પોરેશન એક બાળકનું મૃત્યુ થયા બાદ સુતું રહેવું જ જોવા મળ્યું હતું.
આ ઉપરાંત રીપેરીંગ માટે વિવિધ કમ્પ્લેઈન્ટ મળી હોવા છતાં કોઈ પણ પગલાં સરકારી તંત્ર દ્વારા લેવામાં નહોતા આવ્યા. જો પહેલા જ રીપેરીંગ કરી દેવામાં આવ્યું હોત તો શનિવારે એ મહિલા બચી ગઈ હોત. કાલે સવારે મારી સાથે પણ આવું જ થાય તો એ માટે કોણ જવાબદાર રહેશે? સરકારી તંત્રના બેદરકારી ભરેલા અને રેઢિયાળ કારભારનો વિરોધ કરવા માટે મેં પોલીસ સમક્ષ આવી માગણી કરી છે.
ચિરાગ પોતાની માગણી સાથેનો પત્ર પહેલા કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં મોકલ્યો હતો પરંતુ પોલીસ અધિકારીઓએ એને કલ્યાણ ડીસીપી ઓફિસમાં મોકલવા કહ્યું હતું. ત્યાર બાદ ચિરાગ અને થાણે પોલીસના ટ્‌વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો.
આ બાબતે કલ્યાણ ડીસીપી સંજય શિંદેનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ બાબત મારી જાનમાં નથી આવી. મારી જાણમાં આવ્યા બાદ જ હું એના પર કોઈ કમેન્ટ કરી શકીશ.