બેરાજા પાસે વાયુસેનાનું વિમાન તૂટી પડતા મૃત્યુ પામેલી ગાયોના માલિકોને વળતર મળશે ?

મૃત્યુ પામનારી ૧૧ ગાયો તેમજ ઘાયલ થયેલી ર૦ ગાયોના માલિકોને બોલાવી નિવેદનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ : પીએસઆઈ પરમાર

મુંદરા : તાલુકાના બેરાજા પાસે વાયુસેનાનું જેગુઆર વિમાન તુટી પડતા પાયલોટનું મોત થયું હતું, જયારે ૧૧ ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી, તો ર૦ ગાયો જખ્મી થવા પામી હતી, જેમની ગાયોના મોત થયેલા તથા ઘવાયેલા તેમના માલિકોને વળતર મળશે કેમ આવા અનેક સવાલો ચર્ચાવા લાગ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે જામનગરના જેગુઆટ્ઠ વિમાન મુંદરા તાલુકાના બેરાજા ગામ અને બેરાજા હનુમાન ટેકરી વચ્ચેના સીમાડામાં તુટી પડતા પાયલોટ સંજય ચૌહાણનું મોત થયું હતું. ગાયોના મોત સંદર્ભે પીએસઆઈ ટી.એચ. પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, જે સ્થળે ગાયો ચરતી હતી તે ગાયોના ધણ ઉપર વિમાન પડતા નવ ગાયોના ઘટના સ્થળે મોત થયા હતા, જયારે અન્ય બેના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા, તો ર૦ જેટલી ગાયો ગંભીર રીતે ઘવાઈ હતી તેમને હાલે સારવાર અપાઈ રહી છે.
ઘટનામાં જે ગાયો મૃત્યુ પામેલ છે તેમના માલિકોને વળતર મળશે કે કેમ આવી ચર્ચાઓ વહેતી થવા પામી છે. આ બાબતે તપાસનીશ મુંદરા પીએસઆઈ ટી.એચ. પરમારનો સંપર્ક સાધતા કુલ ૧૧ ગાયોને ઈજાઓ થતા સારવાર માટે મોકલી અપાઈ હતી, જેમની ગાયો આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તથા ઘવાયેલ છે તે ગાયોના માલિકોને બોલાવી તેમના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. નિવેદન નોંધાયા બાદ જિલ્લા સમાહર્તાને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને કલેકટર કચેરી તરફથી સહાય આપવા માટે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું.