બેનામી વ્યવહારમાં ગુજરાત ભારતમાં મોખરે

નવી દિલ્હી ઃ હાલમાં દેશમાં જેટલા બેનામી ટ્રાન્ઝેકશન્સની તપાસ ચાલી રહી છે તેમાંથી ૨૬ ટકા કેસ ગુજરાતના છે
પરંતુ તેમાંથી ૧ ટકા જેટલા જ પૈસા રિકવર કરવામાં ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટને સફળતા મળી છે. નોટબંધી પછી આખા દેશમાં બેનામી ટ્રાન્ઝેકશનના ૫૧૭ કેસમાં તપાસ ચાલી રહી છે. આમાંથી ૧૩૫ કેસ તો ફકત ગુજરાતના જ છે. કરચોરી કરનારા કોઈ બીજાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી, પ્રોપર્ટી ખરીદીને તેમની ઓળખ છૂપાવી રહ્યા છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ગયા વર્ષે ૬ નવેમ્બરથી આખા દેશમાં ૧૮૮૩ કરોડની પ્રોપર્ટી અને બેન્ક એકાઉન્ટ એટેચ કરવામાં આવ્યા છે, તેમાંથી ગુજરાતની રિકવરી સૌથી ઓછી ૧૪ કરોડ જેટલી એટલે કે કુલ રકમના માત્ર ૦.૭૪ ટકા જેટલી જ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસ (સીબીડીટી)એ
આપેલી વિગત અનુસાર ગુજરાતમાં નોંધાયેલા ૧૩૫ કેસમાંથી આ વર્ષે ઓકટોબર મહિના સુધીમાં ૭૧ કેસમાં પ્રોસિકયુશન લોન્ચ કરવામાં આવ્યું હતુ. અમારા સહયોગી અખબાર અમદાવાદ મિરરે ૨૭મી મેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૭ કેસમાં ૯ કરોડની બેનામી પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે. ત્યારથી જે કેસમાં પગલા લેવાયા હોય તેની સંખ્યા ૧૦ ગણી વધીને ૭૧ પર પહોંચી ગઈ છે પરંતુ તેમાંથી મળતી રકમમાં માત્ર ૫ કરોડનો વધારો થયો છે. ગુજરાત આવકવેરા ખાતાના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ કોઈ એકશન લેવાય તે પહેલા કરચોરોએ તેમના ઈન્વેસ્ટમેન્ટ પાછા ખેંચી લેતા અપેક્ષા મુજબ પ્રોપર્ટી એટેચ કરી શકાઈ નથી. એક આવકવેરા અધિકારીએ જણાવ્યું, ‘નોટબંધી લાગુ પડાઈ ત્યારથી માંડીને આવકવેરા ખાતા દ્વારા તેમના ટ્રાન્ઝેકશન્સની વિગતે તપાસ કરાય, કરચોરો સામે પગલા લેવાય એટલા સમયમાં તો કરચોરોને તેમના પૈસા એકાઉન્ટ કે ઈન્વેસ્ટમેન્ટમાંથી પાછા ખેંચવાનો પૂરતો સમય મળી ગયો.’ ભવિષ્યમાં આવુ ન થાય તે માટે ડિપાર્ટમેન્ટ શું કરવા માંગે છે તે અંગે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું, ‘હજુ અડધા કેસોમાં તપાસ બાકી છે. અમે તપાસ પૂરી કરતા પહેલા જ પ્રોપર્ટી એટેચ કરવાનું વિચારી રહ્યા છે જેથી તે બેનામી ઠરે તો તે ડિપાર્ટમેન્ટના દાયરાની બહાર ન જતી રહી હોય.’ગુજરાતમાં નોંધાયેલા ૧૩૫ કેસમાંથી સૌથી વધારે ૯૭ કેસ સુરતમાં નોંધાયા છે જયારે અન્ય ૩૮ કેસ અમદાવાદના છે. જે ૭૧ કેસમાં ઓર્ડર પાસ થયા છે તેમાં ૪૮ સુરતના છે જયારે ૨૩ અમદાવાદના છે. આ વર્ષે ૬ નવેમ્બરના રોજ ગુજરાતમાં ૧૩૫ બેનામી ટ્રાન્ઝેકશનની તપાસ ચાલી રહી હતી. મધ્યપ્રદેશમાં ૯૩, કર્ણાટક અને ગોવામાં ૭૬, તામિલનાડુમાં ૭૨, રાજસ્થાનમાં ૬૨, મહારાષ્ટ્રમાં ૬૧ અને દિલ્હીમાં ૫૫ કેસમાં તપાસ ચાલી રહી છે.