બેઝઓઈલ પર પોલીસની તવાઈ જારી : વધુ FIR

માનકૂવા, મુન્દ્રા, નલિયા અને અંજાર પોલીસ મથકે નોંધાયા વિધિવત ગુના

બેઝ ઓઈલના પ્રકરણમાં પોલીસ એફઆઈઆર નોંધી રહી છે તે આવકાર દાયક પરંતુ હકીકતે બેઝઓઈના કેસમાં સત્તાવાર જેઓના નામ ખુલ્લે છે તેમની સામે પાસા/હદપાર તળે જ કરવી જોઈએ કાર્યવાહી : જ્યાં સુધી બેઝઓઈલમાં મોટા માથાઓ સામે હદપારનું શસ્ત્ર નહીં ઉગામાય ત્યાં સુધી બેઝઓઈલ-મીક્ષીંગના ધુમ વેપલા અટકાવવા બનશે પડકાર જનક

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : જિલ્લામાં બેઝઓઈલના બેફામ પણે થતા વેપલા પર પોલીસે ધોંષ બોલાવીને અગાઉ કરોડોની કિંમતનો બેઝઓઈલનો જથ્થો ઝડપી પાડયો હતો. જે તે વખતે પોલીસ દ્વારા સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં કે માત્ર જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી. જો કે, હવે આ તમામ કાર્યવાહીઓને કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધિવત એફઆઈઆર લોંચ કરાઈ રહી છે, જેમાં ગઈકાલે પૂર્વ કચ્છમાં ૧૩ જેટલી એફઆઈઆર નોંધાયા બાદ વધુ ચાર એફઆઈઆર પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં નોંધાઈ છે. જેમાં માનકુવા, મુંદરા, નલિયા અને અંજાર પોલીસ મથકે આઠ આરોપીઓ વિરૂદ્ધ ગુના નોંધાયા છે.માનકુવા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ડાંગરેે અલ્પેશ ચુનીલાલ રૂડાણી અને બિપીન શીવજીભાઈ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત તા. ર૩-૧૦-ર૦ર૦ ના પોલીસે દેશલપર વાંઢાયમાં આવેલ પોલીસ ચેકપોસ્ટની પાસે આવેલ ઘનશ્યામ પેટ્રોલ પંપની પાછળ ઈન્ડિયન બાયોડિઝલ પેટ્રોલ પંપ પર દરોડો પાડીને પેટ્રોલ પંપમાંથી અન્ડર ગ્રાઉન્ડ ટેન્કમાં બાયોડિઝલનો ભેળસેળયુકત જથ્થો સંગ્રહ કર્યો હતો. જે તે વખતે પોલીસે ર,ર૭,પ૦૦/-ની કિંમતનો ૩પ૦૦ લિટર ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગે માનકુવા પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો છે.મુંદરા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજાએ આરોપી અશોકભાઈ નારાણભા સેડા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મુજબ ગત તા. ૪-૭-ર૦ર૧ના પોલીસે દરોડો પાડીને કરેલી કાર્યવાહી અંગે વિધિવત એફઆઈઆર નોંધાઈ હતી. પોલીસે કરેલી કાર્યવાહીમાં આરોપીએ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે જવલનશીલ પ્રવાહી જથ્થાનો સંગ્રહ કરીને કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વિના બેદરકારીભર્યું કૃત્ય કર્યું હતું.પોલીસે નાની ભુજપુરથી ઝરપરા રોડ પર આવેલ ખોડિયાર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જે સબબ મુંદરા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.ત્રીજી એફઆઈઆર નલિયા પોલીસ મથકે નોંધાઈ હતી. ગત તા. ૧ર-ર-ર૦ર૧ ના સણોસરા ગામના હાઈવે રોડ પર આવેલા શીવકૃપા કોટન મીલના કમ્પાઉન્ડમાં પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ગેરકાયદેસર રીતે લોખંડની ટાંકીઓમાં સફેદ કલરના જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.ફાયર સેફટીના કોઈપણ સાધનો રાખ્યા વિના કોઈપણ પ્રકારની પાસ પરમીટ કે કોઈ પણ મંજૂરી વીના તેમજ આધાર પુરાવા વીના બેઝઓઈલનો સંગ્રહ કરીને બેદરકારીભર્યુ કૃત્ય આચરાયું હતું. જે અંગે હેડ કોન્સ્ટેબલ અરૂણકુમાર ધર્માભાઈ ડાભીએ આરોપી સુમાર અબ્દુલ ભજીર અને મનજી નથુભાઈ કુંવટ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.તો અંજાર પોલીસ મથકે પણ બાયોડિઝલ / બેઝઓઈલ અંગે વધુ એક ગુનો નોંધાયો હતો. જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રકુમાર પ્રજાપતિએ આરોપી નયન તુલજાશંકર દવે અને દિનેશભાઈ નારાણભાઈ કેરાઈ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત ત. ૬-૭-ર૦ર૧ના વેલસ્પન કંપનીની બાજુમાં આવેલ પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વર્કશોપમાં પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ૩,રપ,૦૦૦/-નું અંદાજે પ હજાર લીટર બાયોડિઝલ / બેઝઓઈલનો જથ્થો અને ૭ લાખનું ટેન્કર મળીને પોલીસે ૧૦,રપ,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કરાયો છે.