બેકાબુ મોંઘવારીને ડામવા સરકાર નિષ્ફળ : કચ્છમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

ઈંધણમાં રોજેરોજના ભાવ વધારાથી જનતા ત્રસ્ત

સિંગતેલ, કઠોળ, દાળ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ સાથે રાંધણ ગેસના ભાવમાં અસહ્ય વધારાથી સામાન્ય જનતાને આવી કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો : જિલ્લાના તમામ તાલુકા મથકોએ સંગઠનના હોદ્દેદારો – આગેવાનો સહિતનાઓએ નોંધાવ્યો વિરોધ : પોલીસ દ્વારા કરાઈ અટક

ભુજ : પેટ્રોલ – ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા રોજેરોજના ભાવ વધારાથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે અને ઈંધણના ભાવ વધારા સાથે સિંગતેલ, કઠોળ, દાળ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ સાથે રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે. સામાન્ય જનતાને આવી કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ ગઈ હોઈ તેની વિરૂધ્ધ કોંગ્રેસ દ્વારા રાજયભરમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે કચ્છમાં પણ આજે તમામ તાલુકા મથકોએ સંગઠનના હોદ્દેદારો – આગેવાનો સહિતનાઓ દ્વારા વિરોધ નોંધાવાયો હતો.
જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની તળે વિરોધ પ્રદર્શન નોંધાવાયું હતું. યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઈંધણમાં રોજેરોજના ભાવ વધારાથી જનતા ત્રસ્ત બની છે, તો બેકાબુ મોંઘવારીને ડામવા સરકાર નિષ્ફળ નિષ્ફળ નિવડી રહી છે. આ વિરોધ પ્રદર્શન વેળાએ રફીક મારા, ગની કુંભાર, માનશી શાહ, ધનજી મેરીયા, ઘનશ્યામસિંહ ભાટી સહિતનાઓ જોડાયા હતા.નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહિરના નેજા હેઠળ ડો. શાંતિલાલ સેંઘાણી, કેતનભાઈ પાંચાણી, અશ્વિનભાઈ રૂપારેલ, વિસનજીભાઈ પાંચાણી સહિતના આગેવાનો ભાજપ સરકાર વિરૂદ્ધના સુત્રો સાથે બેનર હાથમાં લઈને મોંઘવારી વિરૂદ્ધ ભાજપ તેરે અચ્છેદિન જનતા તેરે બૂરેદિન સહિતના સુત્રો પોકાર્યા હતા. પીઆઈ વસાવાના નેજા હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિક્ષામાં એક એક સીસી પેટ્રોલ પુરીને કોંગ્રેસીઓ જનતાને ભાવ વધારા સામે અવાજ ઉઠાવવા આહવાન કર્યું હતું. આ ટાંકણે મંગલભાઈ કટુવા, નૈતિક પાંચાણી, સાવન ઠક્કર, મણિલાલ રૂડાણી, રવજીભાઈ આહિર, હરીભાઈ ચારણ, ડુંગરશી જાડેજા, ઓસ્માણ સુમરા, વંકાભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ મોકાજી જાડેજાની આગેવાનીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જી.પં. વિપક્ષી ઉપનેતા હાજી તકીશા બાવા, મહામંત્રી જામભા સોઢા, તા.પં. કારોબારી ચરમેન જાફરભાઈ અલારખ્યા હિંગોરા, સા.ન્યાય સમીતી ચેરમેન શીવજી કાનજી મહેશ્વરી, આમદ હુશેન સંઘાર, રમજુ હારૂન નોડે, તા.પં. સભ્ય ડાડાભાઈ જત, મનજીભાઈ મહેશ્વરી, ડાડાભાઈ મોકરશી, અલીભાઈ લાખાભાઈ કેર, સુરેશસિંહ જાડેજા, અબ્દુલભાઈ ગજણ, મોહન કરશન ગઢવી, ફકીરમામદ નોતીયાર, ઓસમાણ નોતીયાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા તમામને ડીટેઈન કરી પોલીસ મથકે લઈ જવાયા હતા. અંજારના દેવળિયા નાકા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક અંજાર તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો – કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.