બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાલ પર : યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા અપાયેલા એલાનમાં કચ્છભરના ૧૪૦૦ અધિકારી – કર્મચારીઓ જોડાયા : ભુજની બેંક ઓફ બરોડા રિજીયન ઓફિસ પાસે કરાયા સુત્રોચ્ચાર : પચરંગી શહેર ગાંધીધામ-આદિપુરમાં બેંકો બંધ રહેતા ખાતેદારોને ભારે હાલાકી

(બ્યુરો દ્વારા)ભુજ : યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ દ્વારા તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા બે સરકારી બૅંકોના ખાનગીકરણની કરાયેલી જાહેરાત સામે બે દિવસીય હડતાલનો નિર્ણય લેવાતા જાહેર ક્ષેત્રની બેંકોેના અધિકારીઓ અને કર્મચારીઓ એમના સંગઠનોએ કરેલા એલાન મુજબ આજે અને આવતીકાલ, એમ બે દિવસ માટે હડતાળ પર ઉતરી જતા દેશભરમાં બેંકીંગ કામકાજને માઠી અસર પહોંચી છે. કચ્છ જિલ્લામાં હડતાલને પગલે ૧૪૦૦ અધિકારી – કર્મચારીઓ કામગીરીથી અડઘા રહેતા ૬૦૦ કરોડના કલીયરીંગ આજે ઠપ્પ થયા હતા. બે દિવસીય હડતાલનું એલાન હોઈ આવતીકાલે પણ બેંકોની કામગીરી ખોરવાયેલી રહેશે. હડતાલના પગલે ગાંધીધામની બેંકો પણ સુમસામ બની હતી. બે દિવસીય બેંક હડતાળમાં ગાંધીધામના અધિકારી – કર્મચારીઓ પણ જોડાતા શહેરની બેંકો સુમસામ ભાસી હતી. જેના કારણે આર્થીક પાટનગર અને પચરંગી વસતી ધરાવતા ગાંધીધામ-આદિપુરના હજારો બેંક ખાતેદારોને હાલાકીનો સામનો પણ કરવો પડયો હતો.આ અંગેની વિગતો મુજબ ભારતભરના ૯ સંગઠનોના બનેલ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા સરકારી બેંકોની ખાનગીકરણ કરવાના વિરોધમાં આજે અને આવતીકાલે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરના ૧૦ લાખ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો જિલ્લાની વિવિધ બેંકોના ૧૪૦૦ અધિકારી – કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોઈ આજે એક જ દિવસમાં ૬૦૦ કરોડના કલીયરીંગ અટકી ગયા હતા. આજે કચ્છના બેંક યુનિયનના આગેવાનો – કર્મચારીઓએ આજે ભુજમાં બેંક ઓફ બરોડા રીજીયન ઓફિસ પાસે એકત્રીત થઈ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ગુજરાત બેંક વર્કસ યુનિયનના કચ્છ યુનિટના જોઈન્ટ સેક્રેટરી અશોક ભટ્ટે વિગતો આપતા જણાવ્યું કે, બેંકોનું ખાનગી કરણ કરી જનતાની થાપણ કોર્પોરેટ હાઉસને આપવાથી ૧૪૬ લાખ કરોડની બચત પર જોખમ વધશે. રોજગારી પર સંકટ સર્જાવવાની સાથોસાથ ગામડાની શાખાઓ બંધ થશે. છ લાખ કરોડની બેંક લોનની વસુલાત ન થવાથી નફામાં ઘટાડો, સસ્તા વ્યાજની લોન મોંઘી થવી, ખેત ધિરાણ પર વ્યાજ દર વધવા સહિતના સંકટ આવવાથી ખાનગીકરણના કારણે સામાજીક બેંક વ્યવસ્થા પર જોખમ વધશે. આ સંભાવનાઓને પગલે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કચ્છમાં ૧૪૦૦ અધિકારી – કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. આજે અને આવતીકાલે ભુજ ખાતે એકત્રીત થઈ સુત્રોચ્ચાર કરવામાં આવશે. આ વેળાએ યુનિયનના અગ્રણી રીતેશ શાહ, કપીલ મહેતા, કૈલાસ કુકડીયા, ભાવેશ બારોટ, હર્ષ કોઠારી, ઉમેશસિંહ જાડેજા, દુષ્યંતસિંહ રાણા, જીજ્ઞેશ કંસારા, હમીર મહેશ્વરી સહિતનાઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હડતાળને કારણે આજે અને આવતીકાલે, બેંકોેની શાખાઓમાં નાણાં ડિપોઝીટ કરવામાં, નાણાં ઉપાડવામાં તથા લોનની મંજૂરી મેળવવા જેવી કામગીરીઓને માઠી અસર પહોંચશે. જોકે એટીએમ ચાલુ રહેશે. તોે બીજા શનિવાર અને રવિવારના કારણે બે દિવસ અગાઉ બેંકો બંધ રહી હતી. આમ હડતાલને પગલે સળંગ ચાર દિવસ સુધી સરકારી બૅંકોના ગ્રાહકો પોતાની બૅંકોની પ્રત્યક્ષ સેવાઓના લાભથી વંચિત રહ્યા છે.