બુલેટ ટ્રેન સામે વિરોધ ઠંડો પાડવા પ્રયાસઃ ગુજરાત સરકાર ખેડૂતોને ૨૫ ટકા વધુ વળતર આપશે

ગાંધીનગરઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કાર્ય પૂરું કરવા ગુજરાત સરકાર પાસે નવેમ્બર ૨૦૧૮ સુધીનો સમય છે. ત્યારે ટ્ઠબુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોને શાંત પાડવા માટે સરકારે ૨૫ ટકા વધુ વળતર આપવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, “આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. કુલ ૫૦૮ કિલોમીટરનો પ્રોજેક્ટ ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી પસાર થશે. ૧૯૬ ગામડાંઓમાંથી કુલ ૬૭૬ હેક્ટર જમીનનું સંપાદન થશે.”
મહેસૂલ મંત્રીએ વધુમાં કહ્યું કે, “નિયમો પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બજાર કિંમતના ૪ ગણા ભાવ અને શહેરીવિસ્તારના ખેડૂતોને બજાર કિંમતના બે ગણા વધારે ભાવ મળશે. સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે જો ખેડૂતો આ ઓર્ડરને કોર્ટમાં નહીં પડકારે તો સરકાર તેમને તેમની જમીનની કિંમત કરતા ૨૫ ટકા વધારે રૂપિયા
આપશે.” ૧૯૬ ગામડાઓના ખેડૂતોમાંથી નવસારી જિલ્લાના ૨૧ ગામના ખેડૂતો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને જમીનનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો.
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કૉંગ્રેસ નેતા અહમદ પટેલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચાલી રહેલી રહેલી જમીન
સંપાદનની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અહમદ પટેલે આરોપ લગાવ્યો હતો કે, આ કામગીરીમાં જમીન સંપાદન એક્ટ, ૨૦૧૩નો ભંગ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, કૉંગ્રસની  સરકાર દ્વારા આ એક્ટ બનાવાયો હતો.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે મહત્વના આ પ્રોજેક્ટનું પ્રગતિ (પ્રો-એક્ટિવ ગર્વનન્સ એંડ ટાઈમલી ઈમ્પિલિમેન્ટેશન) પ્રોગ્રામ હેઠળ દર મહિને નિરીક્ષણ કરે છે. છેલ્લા બે મહિનાના નિરીક્ષણને અંતે તેમણે જમીન સંપાદનનું કાર્ય ધીમીગતિએ ચાલતું હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન. સિંહને જમીન સંપાદનની કામગીરી નવેમ્બર ૨૦૧૮ સુધીમાં પૂરી થઈ જાય તે જોવાની સૂચના આપી છે.