બુઢારમોરા સરપંચ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ

ગાંધીધામ : બુઢારમોરા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ લીલાબેન ભગવાનભાઈ સથવારા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ થયેલ હતી. જેની મીટીંગ તા.૬-૯-ર૦૧૮ના રોજ ગ્રામ પંચાયત કચેરી મધ્યે તાલુકા પંચાયતનાં અધિકારી શ્રી એરવાડીયાનાં અધ્યક્ષસ્થાને મળેલ હતી.
ગ્રામ પંચાયતના કુલ ૭ સભ્યો પૈકી ૧ સભ્ય નાકુબેન પ્રભુ રબારી હાજર રહેલ હતાં નહિ. બાકીનાં ૬ સભ્યો પૈકી (૧) લક્ષ્મીબેન આહિર, (ર) કાનજીભાઈ ચૌહાણ, (૩) વનિતાબેન સથવારા દ્વારા અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ હતું. જ્યારે ૩ સભ્યો (૧) લીલાબેન સથવારા, (ર) મોહન વાઘેલા, (૩) ઓસમાણ અબ્દુલ્લા દ્વારા દરખાસ્તની વિરૂધ્ધમાં મતદાન કરતાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકેલ નહિ. અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે ર/૩ એટલે કે કુલ પ સભ્યોની સંખ્યા જરૂરી હતી. જેથી સંખ્યા પુરી ન થતાં અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગયેલ હતી.
બુઢારમોરા ગ્રામ પંચાયત લાંબા સમયથી વિવાદમાં ચાલી રહેલ છે અને પંચાયત લાલજીભાઈ મોહન સથવારા ત્રણ સંતાનોનાં કારણે ગેરલાયક ઠરેલ હતા અને હાલે સરપંચના ચાર્જમાં લીલાબેન ભગવાનભાઈ સથવારા હોદ્દો ધારણ કરે છે પરંતુ ગેરલાયક ઠરેલ પૂર્વ સરપંચ લાલજીભાઈ સથવારા દ્વારા મહિલા સરપંચ લીલાબેન સથવારા પંચાયતના કામ ન કરી શકે તે માટે સતત અડચણો ઉભી કરી રહેલ છે અને વિકાસ કામોમાં પણ સતત રૂકાવટો ઉભી કરવામાં આવે છે.
આ અવિશ્વાસની દરખાસ્ત પણ ગામનાં પૂર્વ સરપંચ લાલજીભાઈ સથવારા દ્વારા પંચાયતના સભ્યોને ઉશ્કેરી અને ગેરમાર્ગે દોરી દરખાસ્ત દાખલ કરાવેલ હતી. પરંતુ સભ્યોને સાચી જાણકારી મળતાં અને લાલજીભાઈ પંચાયતના સભ્યોને ખંભે બંદુક ફોડી પોતાનો લાભ મેળવવા માંગતા હતા જેના કારણે સત્ય હકીકતની જાણકારી મળતાં સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ઉડાવી લીધેલ છે અને નિરર્ધાર કરેલ છે કે ગામના વિકાસમાં સાથે મળી પ્રજાલક્ષી કામ કરવામાં આવશે.
આજની સભામાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ હોવા છતાં પૂર્વ સરપંચ લાલજીભાઈ સથવારા મીટીંગ હોલમાં ગુસી જતાં વિવાદ ઉભો થયેલ હતો અને પોલીસ દ્વારા લાલજીભાઈ સથવારાને બહાર કઢાવેલ હતા.એક મહિલા સરપંચને આટલી હદે પરેશાન કરાય તે કેટલી હદે યોગ્ય ગણાય. ઉપ સરપંચ લીલાબેન હાલે સરપંચના ચાર્જમાં છે અને ટુંક સમયમાં જ સરપંચની ચુંટણી થવાની છે ત્યારે ગામનાં હિતમાં વિવાદ ન થવો જોઈએ. આજની મીટીંગમાં હાલના ઈન્ચાર્જ સરપંચ લીલાબેન સથવારાનાં સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. જેમાં મુખ્ય રૂપશીભાઈ ઠક્કર, અરજણભાઈ વાઘેલા, બિપીનભાઈ ઠક્કર, ભગવાનજીભાઈ સથવારા, બાબુ વાઘેલા, અજીમ અલાના સાથે ર૦૦ જેટલા સમર્થકો હાજર રહેલા હતા. જે ગામમાં પણ ચર્ચાનો વિષય બનેલ હતો અને સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાથી ગામનાં લોકોમાં પણ આક્રોશ ફેલાયેલો હતો. પૂર્વ સરપંચ લાલજીભાઈ સથવારા દ્વારા પંચાયતમાં ચંચુપાત કરવાનાં બદલે સાથે મળી ગામનાં વિકાસ કાર્યોમાં સહયોગ આપવો જોઈએ તેવી લાગણી ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલ હતી તેવું અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ આર.રબારીની યાદીમાં જણાવવામાં આવે છે.