બુઢારમોરાના સરપંચના સસ્પેન્શનનો હુકમ ડીડીઓએ કાયમ રાખ્યો

અંજાર : તાલુકાના બુઢારમોરા ગામના સરપંચને ૪ સંતાનો થયા છતાં તેઓ હોદ્દા પર કાયમ રહેતા તેમની વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી અને સરપંચને ટીડીઓએ સસ્પેન્ડ પણ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ડીડીઓ સમક્ષ અપીલ કરાઈ હતી. જો કે, હવેે ડીડીઓએ પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલા હુકમને કાયમ રાખીને સરપંચને પદભ્રષ્ટ કરવાનો હુકમ કર્યો છે.
બુઢારમોરાના સરપંચ લાલજી મોહન સથવારા વિરૂદ્ધ ગામના જ આગેવાન
બિપીનકુમાર રૂપશી ઠક્કરે અરજી કરી હતી. જેની તપાસ બાદ અંજારના ટીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા હતા. સરપંચના સસ્પેન્શન બાદ તેને હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. હાઈકોર્ટે અંજારના તાલુકા વિકાસ અધિકારીને ૪ અઠવાડિયામાં ફેર તપાસ કરીને નિર્ણય લેવા હુકમ કર્યો હતો અને ગત ર૬મી ઓક્ટોબર ૨૦૧૭ના ફરીથી ટીડીઓએ બુઢારમોરાના સરપંચને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં સરપંચે ટીડીઓના હુકમ સામે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી હતી ત્યારે અરજદારના પિતા રૂપશી સાકરચંદ ઠક્કરે આ સમગ્ર મામલે યોગ્ય ન્યાય નહી મળે તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જોે કે, બદલી પામેલા ડીડીઓ સી.જે. પટેલે સુનાવણી હાથ ધર્યા બાદ તાલુકામાંથી સરપંચને સસ્પેન્ડ કરવાનો થયેલો હુકમ કાયમ રાખ્યો હતો. અને અંતે બુઢારમોરાના સરપંચને ડીડીઓ દ્વારા પણ પાણીચુ
અપાયું હતું. ત્યારે આ સમગ્ર મામલે આત્મવિલોપન કરવાની અરજી કરનાર બુઢારમોરાના અગ્રણી રૂપશી સાકરચંદ ઠક્કરે
પોતાની આત્મવિલોપન કરવાની ચિમકી પરત ખેંચી છે.