બીસીસીબીના ચેરમેન પદે હિતેશ ઠક્કર આરૂઢ

વાઈસ ચેરમેન પદે રમેશ મહેશ્વરી અને એમડી પદે ગોદાવરીબેન ઠક્કરની સર્વાનુમતે વરણી : આજે મળેલ બોર્ડ બેઠકમાં હોદ્દેદારો વરાયા : નવ નિયુક્ત હોદ્દેદારોએ બેંકના સર્વાંગી વિકાસનો આપ્યો કોલ

 

 

સમાજના મોવડીઓની દખલગીરી ન લાવી રંગ
ભુજ :બીસીસીબી બેંકની આ વખતની ચૂંટણી સમાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે બેંકના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુકમાં પણ સમાજના બની બેઠેલા હોદ્દેદારો પોતાના ચોગઠા ગોઠવવા માંગતા હતા અને આ માટે ગઈકાલ રાત સુધી બેઠકોનો ધમધમાટ જાવા મળ્યો હતો. જા કે, સમાજના બની બેઠેલા મોવડીઓના તમામ પ્રયાસો તેમજ દખલગીરી રંગ ન લાવી હોવાનો આજની બોર્ડ બેઠક પરથી ફલિત થયું હતું.

 

 

 

બેંકના એમડી ભુજ નગરપતિની રેસમાં આગળ

ભુજ : પ્રતિષ્ઠીત એવી બીસીસીબીમાં આ વખતે મહિલા પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હોઈ ભુજ નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે નગર પ્રમુખ પદે મહિલાને તક આપવાની હોઈ બીસીસીબીમાં જે મહિલા પ્રતિનિધિ હોદ્દો પ્રાપ્ત્‌ કરશે. તેનો ઘોડો નગરપતિની રેસમાં પણ આગળ પડતો રહેશે. તેવું જણાવાઈ રહ્યું હતું ત્યારે બેંકના એમડી પદે ગોદાવરીબેન ઠક્કરની વરણી કરાતા નગરપતિની રેસમાં પણ તેમનું નામ અગ્ર હરોળમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

 

બેંકમાં જૈન સમાજને એક પણ પદ ન ફાળવાતા કચવાટ
ભુજ : બીસીસીબીના ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ એમડીની નિમણુકમાં જૈન સમાજને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી પુરેપુરી સંભાવનાઓ સેવાઈ રહી હતી. પરંતુ આજરોજ થયેલ નિમણુકમાં જૈન સમાજને એક પણ પદ ન ફાળવાતા સમાજમાં કચવાટની લાગણી ફેલાઈ છે. જા કે, બેંકના બે કો-ઓપ્ટ સભ્યો તરીકે જૈન સમાજને પ્રતિનિધિત્વ આપી આ કચવાટને દૂર કરાઈ શકે છે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

 

ભુજ : ભુજ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના નવા બોર્ડની આજરોજ પ્રથમ બેઠક મળી હતી. જેમાં બેંકના ચેરમેન પદે હિતેશ ઠક્કરની સર્વાનુમતે વરણી કરાઈ હતી. તો વાઈસ ચેરમેન પદે રમેશભાઈ મહેશ્વરી જયારે એમડી પદે ગોદાવરીબેન ઠક્કરની વરણી કરાઈ હતી.  ભુજ કોમર્શિયલ કો- ઓપરેટીવ બેંકના વર્ષ ર૦૧૭- રરના પાંચ વર્ષ માટે ચૂંટાઈ આવેલ નવા બોર્ડ ઓફ ડાયરેકટરોમાં નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલના ફાળે ૭ જયારે વેપારી પેનલના ફાળે ૬ બેઠકો આવી હતી. જેના લીધે બેંકના ચેરમેન સહિતના હોદ્દેદારોની રેસમાં એકથી વધુ દાવેદારો હતા. જેના લીધે બેંકના કો-ઓપ્ટ સભ્યોનો મત નિર્ણાયક સાબિત થનારો હતો. જા કે બેંકના બે કો-ઓપ્ટ સભ્યોની મુદત પણ જુના બોર્ડની સાથે પૂર્ણ થઈ ગઈ હોવાનું બેંકના ધારાશાસ્ત્રીઓ દ્વારા અભિપ્રાય અપાતા અનેકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આજરોજ મળેલ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં ચેરમેન પદે હિતેશ ઠક્કરના નામની દરખાસ્ત કલ્પેશ ઠક્કરે કરી હતી. જયારે રમેશ મહેશ્વરીએ તેને ટેકો આપ્યો હતો. તો વાઈસ ચેરમેન પદે રમેશ મહેશ્વરીના નામની દરખાસ્ત હિતેશ ઠક્કરે કરી હતી. જયારે ધીરેન ઠક્કરે તેને ટેકો આપ્યો હતો. એમડી પદે ગોદાવરીબેન ઠક્કરના નામની દરખાસ્ત રમેશ મહેશ્વરીએ કરી હતી. જયારે મધુકર ઠક્કરે તેને ટેકો આપતા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી. હોદ્દેદારોની વરણીમાં દરખાસ્ત તેમજ ટેકો આપનારમાં બંને પેનલના ડાયરેકટરો સહભાગી રહેતા એકતાના દર્શન થયા હતા. ત્યારે બેંકના આગામી પાંચ વર્ષના શાસનમાં પણ તમામ ડાયરેકટરો વચ્ચે આવી જ એકતા બની રહેશે કે કેમ તે જાવું રહ્યું.
આભાર – નિહારીકા રવિયા