બીજી લહેરની પરાકાષ્ઠાએ કોરોનાગ્રસ્ત ૧૬ ગર્ભવતી માતાઓ ઉપર સફળતાપૂર્વક સિઝેરીયન કરાયું

જી.કે. જન. અદાણી હોસ્પિ.માં સ્ત્રીરોગ વિભાગ દ્વારા માતા અને બાળકને સુરક્ષા પ્રદાન

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટ્‌લમાં કોરોનાની બીજી લહેર જ્યારે એપ્રિલ અને મે માં તેના ટોચ ઉપર હતી, ત્યારે કોરોનાથી ગંભીર રીતે સંકર્મિત ૧૬ ગર્ભવતી મહિલાઓ ઉપર સિઝિરીયન કરી માતા અને બાળકને સુરક્ષિત રાખવામા સ્ત્રીરોગ વિભાગને સફળતા મળી હતી.

હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબ અને આસી.પ્રો. રામ પાટીદારના જણાવ્યા અનુસાર ગાયનેક ડિપાર્ટમેંટના હેડ અને એસો.ડીન ડો. એન.એન. ભાદરકાના માર્ગદર્શન હેઠળ કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાઓની સંભાળ અને સિઝેરીયન માટે આઈ.સી.એમ.આરની ગાઈડ્‌લાઇનને અનુસરીને કોરોના પ્રભાવિત મૉડરેટ (સીમિત) અને ગંભીર (સિવિયર) અને માઈલ્ડ (હળવા) દર્દીની ઑક્સીજનની જરૂરિયાત મુજબ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. ગર્ભવતી મહિલાઓને જ્યારે ૩૨-૩૪ હપ્તાની પ્રેગ્નેન્સી હોય અને પેટમાં બાળક પરિપક્વ થઈ જાય ત્યારે સિઝેરીયન આવશ્યક બની જાય છે. કેમ કે, સામાન્ય ડિલિવરી કરવામાં આવે તો શક્તિનો પુષ્કળ વ્યય થાય અને ઓક્સિજનની ખપત પણ શરીરમાં વધી જાય એટ્‌લે બાળક ઉપરાંત માતાને સુરક્ષિત રાખવા અને ઓક્સિજનની માત્રાનું નિયંત્રણ કરવા કમરથી નીચેના ભાગને બેહોશ કરી સિઝેરીયન કરવામાં આવે છે. આવી પરિસ્થિતીમાં યોગ્ય રીતે સિઝેરીયનથી બાળકને લેવાય નહીં તો બાળક માટે જાેખમ વધી જાય છે. કારણ કે, માતા પોઝિટિવ હોવાને કારણે જરૂરી ઈંજેકશન અપાય તો સુગર વધી જાય તાવ આવે અને ઘણીવાર બાળક પેટમાં જ મૃત્યુ પામે આ બધા જાેખમો સામે સિઝેરીયન એ જ સુરક્ષિત હોવાથી આમ કરવામાં આવ્યું હતું.
કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાઓને ખૂબ જ હળવું સંક્રમણ હતું અને ઓક્સિજનની જરૂર નહોતી તેને ઘરે જ વ્યવસ્થા કરીને પૂરા સમયે જ ડિલિવરી થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું આવી ૫ માતાઓ માઈલ્ડ કોરોનાગ્રસ્ત હતી. સારવારમાં સ્ત્રીરોગ વિભાગના આસી. પ્રો. ડો. ચાર્મી પવાણી, ડો. મહાશ્વેતા ગુરૂ તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. નિરાલી ત્રિવેદી અને ડો. જલદીપ પટેલે સેવા આપી હતી.