બીજા વિશ્વ યુદ્ધનો બોંબ મળતા લંડન સીટી એરપોર્ટ બંધ કરાયુ

લંડન : લંડન સીટી એરપોર્ટ પાસે બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક બોંબ મળી આવ્યો છે. આ બોંબ મળી આવ્યા બાદ લંડન સીટી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે. આ બોંબ ટેમ્સ નદીના જયોર્જ વી ડોક પાસે મળી આવ્યો હતો. ઘટનાસ્થળે બોંબ નિરોધક ટુકડી તેને નિષ્ક્રિય કરવાના પ્રયાસમાં લાગી છે. બોંબ મળ્યા બાદ લંડન સીટી એરપોર્ટે યાત્રિકોને નિર્દેશ જારી કર્યા છે કે તેઓ એરપોર્ટ તરફ યાત્રા ન કરે અને ફલાઇટ અંગેની કોઇપણ માહિતી માટે પોતાની એરલાઇન્સ કંપનીઓનો સંપર્ક કરે. ખતરાને જોતા વિમાનોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. બોંબ મળ્યા બાદ એરપોર્ટ તરફ આવતા અનેક માર્ગો બંધ કરી દેવાયા છે. જાણવા મળે છે કે એરપોર્ટ પાસે કેટલાક કર્મચારીઓ કામ કરતા હતા આ દરમિયાન આ બોંબ મળી આવ્યો હતો. સીટી એરપોર્ટ પુર્વ લંડનમાં આવેલુ છે અને ત્યાંથી સ્થાનિક ફલાઇટ જતી હોય છે.