બિલ ન ભરવા પર દર્દીને હોસ્પિટલમાં રોકીને ન રાખી શકાય

મુંબઇ હાઇકોર્ટની મહ્‌ત્વપૂર્ણ ટીપ્પણીઃ વ્યકિતગત આઝાદીનું હનન કરવાનો હોસ્પિટલને અધિકાર નથીઃ આવું કરતી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરવા નિર્દેશ

મુંબઇઃ મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બિલનું ચૂકવણું ન થવા પર કોઈ દર્દીને હોસ્પિટલમાં રોકી રાખવો ગેરકાયદેસર છે. સાથોસાથ અદાલતે દર્દીઓના અધિકારો સંબંધી નિયમોને પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
જસ્ટિસ એસ.સી.ધર્મિધિકારી અને જસ્ટિસ ભારતી ડોગરાની પીઠે આ અંગે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અદાલતે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ દર્દીઓના કાનૂની અધિકારો અને દોષીત હોસ્પિટલો વિરુદ્ધ લાગુ પડતી દંડનીય જોગવાઈઓની જાણકારી પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કરે.
પીઠે કહ્યું કે કોઈ હોસ્પિટલ કોઈ વ્યક્તિને માત્ર એ આધાર પર કેવી રીતે રોકીને રાખી શકે કે એ દર્દીએ બિલનું ચૂકવણું નથી કર્યું. આ પ્રકારની હોસ્પિટલ વ્યક્તિની વ્યક્તિગત આઝાદીનું હનન કરે છે. અદાલતે કહ્યું કે જનતાને ખબર હોવી જોઈએ કે હોસ્પિટલ તરફથી આ પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર છે.જો કે હાઈકોર્ટે હોસ્પિટલો વિરુદ્ધ કોઈ વિશેષ આદેશ જારી કરવાનો ઈનકાર કર્યો હતો. અદાલતે કહ્યું કે આ કામ સરકારનું છે. અમે આ મુદ્દે નિયમ જારી કરીને ન્યાયક અધિકારોથી ઉપર જઈ ન શકીએ પરંતુ અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે અદાલત આ પ્રકારના મુદ્દાને લઈને સહાનુભૂતિ રાખે છે. પીઠે કહ્યું કે સરકારે આ પ્રકારના દર્દીઓ અને તેના પરિવારોને સંરક્ષણ આપવા માટે એક પ્રણાલી બનાવવી જોઈએ. હોસ્પિટલે પોતાનું બાકી બિલ વસૂલવા માટે હંમેશા કાનૂની રીતે અપ્નાવવી જોઈએ.