બિનજરૂરી તકડામાં અને બહાર જવાથી બચી ગરમીથી બચીએ : જરૂર પડે ૧૦૮ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ૦૨૮૩૨-૧૦૭૭નો સંપર્ક કરીએ

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી બે દિવસમાં કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી છે ત્યારે પ્રજાજનોએ ગરમીથી કેવી રીતે બચવું અને લૂ લાગવાના લક્ષણો કયા છે. તેમજ આકસ્મિક સંજોગોમાં કોનો સંપર્ક કરવો તે અંગે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ભુજ દ્વારા જણાવાયું છે.

હાલે કચ્છમાં પડી રહેલી ગરમીને જોતા સર્વેએ બિનજરૂરી બહાર ના નીકળવું. દરેકે ગરમીથી બચવા આટલી સાવચેતી અને સાવધાની રાખવી. ગરમીથી કેવી રીતે બચીશું ? વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહી પીવું. લાંબો સમય તડકામાં ના રહીએ. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા. ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહીં. આમ છતાં પડી રહેલી ગરમીના કારણે હીટ સ્ટ્રોક લૂ લાગે તો શું થાય એ લક્ષણો જોઇએ તો લૂ લાગવા (હીટ સ્ટ્રોક) ના લક્ષણોમાં ગરમીની અળાઈઓ નીકળવી. ખુબ પરસેવો થવો અને અશકિત લાગવી. માથાનો દુખાવો, ચક્કર આવવા. ચામડી લાલ, સૂકી અને ગરમ થઇ જવી. સ્નાયુઓમાં દુખાવો અને અશકિત, ઊબકા અને ઉલ્ટી થવી. અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

લૂ લગાવાના આમાંથી કોઇપણ લક્ષણ જોવા મળે તો આકસ્મિક સંજોગોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો તત્કાળ સંપર્ક કરવો. જિલ્લા આપત્તિવ્યવસ્થાપન કેન્દ્ર,ભુજ ૦૨૮૩૨-૧૦૭૭ નો પણ સંપર્ક કરી શકાશે.

ગરમીના કારણે આકસ્મિક સંજોગો સર્જાય તો GVK-EMRI હેલ્પલાઇન ૧૦૮, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને સ્ટેટ કટ્રોલરૂમનો પણ સંપર્ક કરી શકાશે, એમ ડિઝાસ્ટર મામલતદારશ્રી પ્રજાપતિ જણાવે છે.