બિદડા- નાની ખાખર વચ્ચે છકડો ઉથલતા તરૂણનું મોત

બે મહિલા સહિત ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

માંડવી : તાલુકાના બિદડા અને નાની ખાખર વચ્ચે છકડો પલટી મારી જતા તેમાં સવાર તરૂણને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોતને ભેટ્યો હતો. જયારે અન્ય ત્રણને ઈજાઓ થવા પામી હતી.
માંડવી પોલીસ મથકના પ્રવકતા પી.કે. જાડેજાએ વિગતો આપતાં જણાવેલ કે, બિદડા – નાની ખાખર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છકડા ચાલકે છકડાને પલટી ખવડાવતા તેમાં સવાર મહેશ મનજી મહેશ્વરી (ઉ.વ. ૧૪) (રહે અંજાર)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોતને ભેટયો હતો. જયારે છકડામાં સવાર વાલબાઈ મનજી મહેશ્વરી (ઉ.વ. ૩૦), નેણબાઈ મોહન મહેશ્વરી (ઉ.વ. રપ), ભરતભાઈ મનજી મહેશ્વરી (ઉ.વ. ૧૮) (રહે ત્રણેય અંજાર)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં પ્રથમ સારવાર બિદડા સર્વોદય ટ્રસ્ટમાં લઈ એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે માંડવી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની વધુ તપાસ બિદડા ઉપથાણાના હેડ કોન્સ. નરશીભાઈ વાઘેલાએ હાથ ધરી હતી. તરૂણનું અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.