બિદડા ગ્રા.પં.ના સરપંચ સહિત ૯ સભ્યોને પુનઃ હોદ્દા પર કરાયા સ્થાપિત

સસ્પેન્શનનો ડીડીઓનો હુકમ રાજ્યના અધિક વિકાસ કમિશ્નરે કર્યો રદ્દ

માંડવી : તાલુકાના બિદડા ગામના સરપંચ અને ૯ સભ્યોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, જે હુકમ સામે નારાજગી દર્શાવી સરપંચ અને સભ્યો વિકાસ કમિશ્નર પાસે દોડી ગયા હતા. કમિશ્નરે ડીડીઓના હુકમને રદ્દ કરી સરપંચ અને સભ્યોને પુનઃ હોદ્દા પર સ્થાપિત કર્યા છે. આ અંગેની મળતી માહિતી પ્રમાણે બિદડા ગામે સમાજવાડીની ખાનગી મિલકતમાં ગ્રામ પંચાયત દ્વારા ઈન્ટરલોક પાથરવામાં આવ્યા હતા. પંચાયત ધારાની જાેગવાઈનું ઉલ્લંઘન કરી ગ્રામ પંચાયતે બિનખેતી થયેલી ખાનગી જમીનમાં વિકાસ કામો કરતા ડીડીઓ દ્વારા આ કામને ગેરલાયક ઠરાવી ગ્રાન્ટનો મનસ્વી ઉપયોગ કરવા બદલ સરપંચ અને આ કાર્યમાં સહયોગી બનનારા ૯ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ સસ્પેન્શનના હુકમના વિરોધમાં ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત, એક દિવસ ગામ બંધ પણ રાખવામાં આવ્યું હતું ત્યારે વિકાસ કમિશ્નરે સરપંચ અને સભ્યોની તરફેણમાં હુકમ આપ્યો છે. અધિક વિકાસ કમિશ્નર ડી.ડી. જાડેજા દ્વારા સરપંચ સુરેશભાઈ વલ્લભજી સંઘાર તેમજ સભ્યો નયનાબા રણુભા જાડેજા, કુલસુમબેન હુશેન કુંભાર, જયશ્રીબેન ખુશાલભાઈ રાજગોર, ભાવેશકુમાર રતિલાલ આણંદ, સુરેશભાઈ મગનભાઈ રામાણી, વિનોદભાઈ હંસરાજ રાજગોર, આસમલભાઈ વિસાભાઈ માતંગ, બિપિનભાઈ જુમાભાઈ સંઘાર અને અમિત સામંતભાઈ સંઘારને પુનઃ હોદ્દા પર સ્થાપિત કરવાનો હુુકમ કર્યો હતો.