બિદડામાં જમીન પચાવી પાડતા ત્રણ સામે લેન્ડ ગ્રેબીંગ તળે ફરિયાદ

બિદડાના દંપત્તિ અને તેના પુત્ર સામે નોંધાયો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)માંડવી : તાલુકાના બિદડા ગામે જમીન પચાવી પાડવાના કિસ્સામાં પતિ, પત્નિ તેમજ પુત્ર સામે લેન્ડ ગ્રેબીંગ તળે ગુનો નોંધાયો હતો. આરોપીઓએ એક સંપ કરીને ગેરકાયદેસર રીતે જમીન ઉપર દબાણ કરી કબજો કરી કરી લેતા માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કલ્યાણજીભાઈ લધાભાઈ પટેલ (ઉ.વ.૭૩)એ આરોપી રવિલાલ કાનજી પટેલ, તેમના પત્નિ રાધાબેન રવીલાલ પટેલ અને પુત્ર નવીન રવીલાલ પટેલ (રહે ત્રણેય બિદડા, તા.માંડવી) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની બિનખેતીની જમીન ઉપર આરોપીઓએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું. ફરિયાદી પોતાના જમીન ઉપર પ્લોટમાં બાંધકામ કરવા જતા હતા ત્યારે કામ અટકાવીને આરોપીઓ દ્વારા ધાક ધમકી કરવામંં આવતી હતી. જે સબબ ફરિયાદીએ લેન્ડ ગ્રેબીંગ તળે ગુનો નોંધવા માટે કલેકટરમાં અરજી કરી હતી. જેની ચકાસણીના અંતે કલેકટર દ્વારા ગુનો દાખલ કરવાનો હુકમ થયે માંડવી પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ તળે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ ભુજ વિભાગના ના. પો. અધિક્ષક દ્વારા હાથ ધરાઈ છે.