બિટકોઈનમાં રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબી જશે?

ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ બિટકોઈનમાં છેઃ આરબીઆઈ પ્રતિબંધ મૂક્યો છે

 

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(ઇમ્ૈં)એ બિટકોઈન અને અન્ય વર્ચ્યુઅલ કરન્સીઝ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ અગાઉ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અંગે રોકાણને લઈને રિઝર્વ બેન્કે અનેકવાર ચેતવણી આપી હતી. આ કદમ લગભગ ૫૦ લાખ ભારતીયોને પ્રભાવિત કરશે, જેમણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરેલું છે. દેશમાં વર્ચ્યુઅલ કરન્સીઝ ટ્રેડ કરી રહેલા ક્રિપ્ટોએક્સચેન્જ પણ તેનાથી પ્રભાવિત થશે. એક અનુમાન પ્રમાણે, ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ બિટકોઈનમાં છે. આરબીઆઈએ બેન્કો, ઈ-વોલેટ વગેરેને કોઈ વ્યક્તિ કે સંસ્થાને ક્રિપ્ટોકરન્સી ખરીદવાની સુવિધા આપવા અંગે પ્રતિબંધ લગાવી દીધો છે. સવાલ એ છે કે શું બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઝમાં ઈન્વેસ્ટ કરનારા લોકોનાં પૈસા ડૂબી જશે? આમ તો આરબીઆઈનો આ આદેશ તાત્કાલિક અસરથી અમલી થયો છે પણ તેમાં હાલના રોકાણકારોને નીકળવાનો માર્ગ આપેલો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બી. પી. કાનુનગોએ કહ્યું હતું, ‘બેન્ક, એનબીએફસી સહિત રિઝર્વ બેન્ક જે સંસ્થાઓને અંકુશિત કરે છે એ તમામને વર્ચ્યુઅલ કરન્સીના જોખમથઈ બચાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમને આ વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડ કરનારી સંસ્થાઓ સાથે વ્યાપારી સંબંધો ખતમ કરવા પડશે. આ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ રીતે જો બિટકોઈન જેવી કોઈ વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરેલું હોય તો તેમાંથી નીકળી જવા માટે ત્રણ મહિનાનો સમય છે. રિઝર્વ બેન્કનો નિર્દેશ મુખ્યત્વે બેન્કો માટે છે. પરંતુ તેની અસર રોકાણકારો પર જરૂર પડશે. કારણ કે વર્ચ્યુઅલ કરન્સીમાં કારોબાર કરવા માટે અસલી રકમની આવશ્યકતા રહેશે.