બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ લેવાયો મહત્વનો નિર્ણય નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ રિક્ષા-વાનમાં જીપીએસ ફરજીયાત : છેવાડાના કચ્છમાં ‘આદેશ’ની જોવાતી રાહ

વાહનોનું લોકેશન જાણવા જીપીએસ ઉપરાંત ગતિ પર નિયંત્રણ રાખવા સ્પીડ ગવર્નન્સ લાગશે : સ્કૂલવર્ધીના વાહનોમાં વેકેશન દરમ્યાન સિસ્ટમ લગાવી દેવા આદેશ : કચ્છમાં હજુ સરકાર તરફથી કોઈ સુચના મળી નથી : શ્રી યાદવ (ભુજ આર.ટી.ઓ.)

સિસ્ટમ લગાવવાનો ખર્ચ વાલીઓને ખભે નાખવાની હિલચાલ
નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ રિક્ષા અને વાનમાં જીપીએસ સિસ્ટમ અને સ્પીડ ગવર્નન્સ લગાવવા માટે સૂચના અપાઈ છે. જેના પગલે વેકેશનમાં મોટાભાગની સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનમાં જીપીએસ અને સ્પીડ ગવર્નન્સ લગાવવાનું નક્કી કર્યુ છે. આ બંને સિસ્ટમ લગાવવા પાછળ અંદાજે રૂ. ૧૪ હજાર ખર્ચ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જીપીએસ અને સ્પીડ ગવર્નન્સ લગાવવા માટે જણાવાયું હોઈ રિક્ષા અને વાન ચાલકો પણ લગાવવા તૈયાર છે. આમ, રિક્ષાચાલકો અને વાનચાલકો પર નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ રૂ. ૧૪ હજારનો બોજો પડશે.

 

ભુજ : શાળાએ જતા નાના ભૂલકાઓને લેભાગુ તત્ત્વો તેમજ ગુનાખોરીનું માનસ ધરાવતા લોકો પાછલા થોડા સમયથી નિશાન બનાવવા લાગ્યા છે. શાળાના બાળકો સાથે વધી રહેલા ગંભીર બનાવોના લીધે રાજ્ય સરકાર પણ સચેત બની ગઈ છે ત્યારે સ્કૂલ વર્ધીના વાહનોમાં જતા બાળકોની સુરક્ષા માટે જૂન-ર૦૧૮થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષોથી સ્કૂલ વર્ધીના વાહનોમાં જીપીએસ લગાવવાના આદેશો કરાયા છે. જો કે, છેવાડાના કચ્છ જિલ્લામાં હજુ ‘આદેશ’ની રાહ જોવાઈ રહી છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો સ્કૂલ વાન કે રીક્ષામાં જતા બાળકોની સુરક્ષા સામે પાછલા લાંબા સમયથી ગંભીર સવાલો ખડા થયા છે. નાના ભુલકાઓની પણ સુરક્ષા જોખમાઈ હોઈ સરકાર હવે ચેતી છે અને બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ સ્કૂલ રિક્ષા અને વાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવાના આદેશો અપાયા છે તો કેટલાક રિક્ષા અને વાન ચાલકો બેફાન ચલાવતા હોઈ અકસ્માતો પણ થતા રહેતા હોય છે. જેથી સ્પીડ ગવર્નન્સ લગાવવા માટે પણ તાકીદ કરાઈ છે.
જીપીએસની મદદથી સ્કુલ રીક્ષા કે વાનનું લોકેશન જાણી શકાશે તેમજ સ્પીડ ગવર્નન્સની મદદથી બેફામ ચાલતા સ્કૂલ વર્ધીના વાહનોની ઝડપ પર લગામ કસી શકાશે.
આ બાબતે ભુજ આર.ટી.ઓ. શ્રી યાદવનો સંપર્ક સાધતા તેમણે આદેશ અંગે અજાણતા દર્શાવી કચ્છમાં હજુ આવી કોઈ સુચના ન મળી હોવાનું ઉમેર્યું હતું.