બાળકની રોગપ્રતિકારક શક્તિનો આધાર એટલે આહાર

અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના બાળ વિભાગે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે બાળકો માટે વડીલોને આપી માહિતી

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત બાળકોને પણ સારવાર આપવામાં આવી હતી. પરંતુ, કોવિડ-૧૯ની ત્રીજી લહેરના વાગતા પડઘમ વચ્ચે કચ્છના બાળકો, ભૂલકાં અને શિશુઓને આ રાક્ષસી મહામારીમાથી બચાવવા અને તેમને કોરોના વાયરસ દૂરથી જ ભડકીને ચાલ્યો જાય એ માટે હોસ્પિટલના પીડિયા (બાળરોગ) વિભાગે બાળકની રોગપ્રતિકારક શક્તિના આધાર સમા આહાર ઉપર ભાર મૂક્યો છે.
અદાણી મેડિકલ કોલેજના પ્રોફે. અને હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબ ડો. રેખાબેન થડાનીએ કહ્યું કે, બદલાતી મોસમ, રોગચાળા અને કોઈ પણ નાની મોટી બીમારીમાં પણ જાે બાળકની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે તે જરૂરી છે. માત્ર રોગચાળા કે મહામારી જ નહીં બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે પણ તે જરૂરી હોવાથી રોજિંદા આહારમાં પૂરતા વિટામિન્સ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન જરૂરી છે. બાળક નાનું હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ માટે માતાનું ધાવણ જ પૂરતું છે પરંતુ જેમ જેમ મોટું થાય તેમ પૂરક આહાર જરૂર પડે છે. બાળરોગ નિષ્ણાંતે આ અંગે જણાવ્યુ હતું કે, બાળક એક વર્ષનું થાય એટલે લીંબુ, નારંગી કે મોસંબીનો રસ આપી શકાય અને તેથી વધુ ઉમરનું બાળક મોસંબી, નારંગી સીધું ખાઈ શકે એવું જ પ્રોટીનનું છે. પાંચ વર્ષ સુધીના બાળકને શીંગદાણા, ચણા (બંને ૫૦ ગ્રામ) ડ્રાયફ્રુટ, વિગેરે પાવડર બનાવી આપી શકાય. જ્યારે મોટા બાળકો સીધું જ ખાઈ શકે ઉપરાંત દૂધ, દહી, પનીરમાથી પણ પ્રોટીન પ્રાપ્ત છે. ખોરાકમાથી ફાઈબર મેળવવા ફ્રૂટ, પપૈયું, કેળાં, લીલા શાકભાજી, દાળ, ખજૂર, ગાજર, બાળકની ઉમર પ્રમાણે સમજીને આપી શકાય. આ ઉપરાંત આયર્ન મળે એ માટે સોજીનો ગોળમાથી બનાવેલો શીરો, પૌવા, તલની ચીકકી અને બાજરા, ઘઉંનો રોટલો- રોટલી આપી શકાય. ઉપરાંત ઉમર પ્રમાણે કેલરીની જરૂરિયાત પૂરી થાય એવો ખોરાક જરૂરી છે. જેમ કે, ૧-૩ વર્ષના બાળકને ૧૦૦૦ કેલરી અને ત્યારપછી દર વર્ષે ૧૦૦ – ૧૦૦ કેલરી ખોરાક વધારી શકાય. પરંતુ, સૌથી મહત્વનુ પાણી છે. બાળકને ૫૦૦ મી.લીથી ૧ લિટર પાણી ઉમર પ્રમાણે આપી શકાય. જેનાથી ઇમ્યુનિટી વધશે.
બાળકને વધારે પ્રમાણમાં બ્રેડ, તળેલી ક્રીમવાળી કે બજારમાં મળતા જંકફુડના પડિકાઓ ન અપાય તે ખાસ જાેવું. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે બાળક ક્યાય ભીડમાં ન જાય અને બહાર નીકળે તો ચાઇલ્ડ માસ્ક પહેરે એ ખાસ જાેવા વાલીઓને અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના આ વિભાગે અનુરોધ કર્યો છે.