બાદરગઢ આરોપી ફરાર કેસ : પીએસઆઈ સહિત ૯ પોલીસ કર્મચારીઓ બેદરકારીમાં ફીટ

રસ્તામાં બાથરૂમ જવાનું કહી ગાડી થોભાવી પોલીસને ચકમો આપી ફરાર થયેલા મર્ડર અને મારામારીના ઈસમોનો બીજા દિવસે પણ અત્તોપત્તો નહીં : હાઈવે રોડ હોવાથી પાલનપુર, માળિયા કે સ્થાનિકે જંગલમાં નાસી ગયા હોવાની હકીકતના આધારે ત્રણ ટીમો દોડાવાઈ

રાપર : વાગડમાં ફરી એક વખત પોલીસને ચકમો આપી આરોપીઓ નાસી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બેદરકારી દાખલનાર પીએસઆઈ સહિત ૯ પોલીસ કર્મચારીઓ સામે રાપર પોલીસમાં બેદરકારી સબબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ગત ૧૩મી માર્ચના રાપરના કારૂડામાં રહેતા સુખદેવ રામસંગ ઉર્ફે રામસિંહ કોલી અને તેના સાગરિત ખેડુકાવાંઢના તુલસી ઉર્ફે તુલા બાબુભાઈ કોલીએ સુખદેવની પ્રેમિકાને રત્નેશ્વર પાસે ઝેર પીવડાવી કલ્યાણપરના બસ સ્ટેશન પાસે ફેંકી હત્યાને અંજામ અપાયો હતો. તો બીજા દિવસે શાળાની બાજુમાં દારૂ પીવાની ના પાડનાર સામાભાઈ ભોજાભાઈ કોલીને લોખંડના પાઈપથી માર માર્યો હતો. જે બંને ગુનામાં આરોપીને ઝડપી લેવાયા બાદ ગળપાદર જેલમાં ધકેલાયા હતા. જયાં ગઈકાલે રાપર કોર્ટમાં તારીખ હોવાથી બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જયાંથી પરત ફરતી વખતે બાદરગઢ પાસે આરોપીએ બાથરૂમ જવાનું કહી વાહન થોભાવ્યું હતું ત્યારે કેદી પાર્ટીના પોલીસ અધિકારી કર્મચારીઓને ચકમો આપી બંને આરોપી નાસી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ બેડામાં પણ હલચલ મચી ગઈ છે. પોલીસ જાપ્તામાંથી હત્યાનો આરોપી ફરાર થઈ જાય તે મોટી ઘટના કહી શકાય. પ્રાથમિક તબક્કે બાદરગઢ પાસે હાઈવે હોવાથી આરોપીઓ કદાચ પાલનપુર તરફ કે મોરબી માળિયા તરફ નાસી ગયા હોવાનું માનવામાં આવે છે.
ઉપરાંત વાગડમાં ખડીર સહિતના જંગલ વિસ્તારમાં નાસી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે. જેથી પોલીસની ત્રણ ટીમો આરોપીઓને ઝડપી પાડવા ધંધે લાગી છે. આ કિસ્સામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ ફરજ મોકુફ સહિતના પગલાં પણ લેવામાં આવે તો પણ નવાઈ નહીં.

બેદરકારી દાખવનારા પોલીસ અધિકારી – કર્મચારી
રાપરના પીએસઆઈ જી.જી. જાડેજાએ કેદી પાર્ટીના જાપ્તામાં કાળજી નહીં રાખીને આરોપીઓ ભાગી જાય તે રીતની ગંંભીર બેદરકારી દાખવનારા ક્યુઆરટી પીએસઆઈ બી.આર. જાડેજા, આદિપુરના હેડકોન્સ્ટેબલ ચુનીલાલ વેચાતભાઈ તેમજ કોન્સ્ટેબલો અંજારના વિરેન્દ્રસિંહ મોહનસિંહ, પીએચક્યુના વિશાલભાઈ રમેશભાઈ, ગાંધીધામ એ ડિવિઝનના દેવેન્દ્રકુમાર ગોવિંદભાઈ, વિજયભાઈ ખીમાભાઈ તેમજ ગાંધીધામ બી ડિવિઝનના ગોકળભાઈ વીરજીભાઈ, મોનાભાઈ ઉમાભાઈ અને જીજ્ઞેશભાઈ પ્રકાશભાઈ સામે રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.