બાડમેર- જેસલમેરને કંડલા સાથે જોડતો રેલ લાઈન પ્રોજેક્ટ ચડ્યો અભેરાઈએ

પ્રોજેક્ટ માટે પ૦૦૦ કરોડની જાહેરાતની ઘોષણા બાદ સરકાર પ્રોજેક્ટ ભૂલી ગઈ

 

ભુજ : કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ ર૦૧૬ના રેલ બજેટમાં જેસલમેર-ભાભર રેલ યોજનાની જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટ માટે પ૦૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટને અઢી વર્ષ થવા છતા હજી સુધી માત્ર સર્વે સિવાય કોઈ કામગીરી થઈ નથી. મળતી વિગતો મુજબ, જેસલમેર, બાડમેરથી ભાભર સુધી અંદાજીત ૩૩૯ કિલો મીટર નવી રેલ લાઈન માટે વર્ષ ર૦૦૧-રથી માંગ કરવામાં આવી હતી જે પંદર વર્ષ બાદ રપ ફેબ્રુઆરી, ર૦૧૬ના કેન્દ્ર સરકારે મંજૂર કરી આ માટે પ૦૦૦ કરોડની જાહેરાત કરી હતી.
આ પ્રોજેક્ટથી બાડમેર- જેસલમેરના ગુજરાત અને કંડલા બંદર સાથે સંપર્ક બનશે. જેનાથી લોકોને પણ ફાયદો થશે. બાડમેરમાં તેલ, ગેસ, વિન્ડ પાવર, લિગ્નાઈટ, જીપ્સમ, બેંટોનાઈટ, ગ્રેનાઈટ, સ્ટોન માઈન્સ, કાપડ ઉદ્યોગનું સીધુ પરીવહન કંડલા પોર્ટ મારફતે નીકાસ કરવાનું આયોજન ઘડાયું હતું. આ માટે ૮ મોટી કંપનીઓએ રેલ લાઈનની માંગ કરી હતી. જેનાથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે આવાગમન કરોડો રૂપિયાની આવક સરકારને મળવાપાત્ર હતી. આ માટે ૮ જેટલી કંપનીઓ અને ૧૦ વીભાગોએ કલેક્ટર મારફતે કેન્દ્ર સરકારને રિપોર્ટ રજૂ કરીને બાડમેર- જેસલમેર રેલ લાઈનનેક મહત્વપુર્ણ ગણાવી હતી. સરહદી જિલ્લો હોવાથી સૈન્યની સુવીધા માટે પણ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો.
પ્રોજેક્ટના પ્રારંભીક સર્વેમાં કુલ ૩૧ રેલ્વે સ્ટેશન નક્કી કરાયા હતા. જેસલમેરથી કંડલા પોર્ટ સુધી રેલ્વે સ્ટેશનની સંખ્યા ૬૭ નક્કી કરાયા હતા. રેલ માટે સર્વે થયો પરંતુ ન જમીન ફાળવાઈ કે ન રૂપીયા ફાળવાયા ફાળવાઈ તો માત્ર ભ્રામક જાહેરાતો તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ સંગે સરકાર પ્રયત્નશીલ બને તેવી માંગ છે.