બાગ-પિપરી માર્ગે ટ્રકના ઠાઠામાં બાઈક ભટકાતા પિતા-પુત્રીના મોત

માંડવીથી પરત જતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા : ગંભીર રીતે ઘવાયેલા પિતાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો : અન્ય દિકરી સારવાર હેઠળ : પિતા-પુત્રીના મોતથી પરિવારજનોમાં અરેરાટી

 

માંડવી : તાલુકાના બાગ અને પિપરી ગામે ઉભેલ ટ્રકના ઠાઠામાં મોટર સાયકલ ઘૂસી જતા પિતા-પુત્રીના મોત થયા હતા. જ્યારે અન્ય માસુમ દિકરીને ગંભીર ઈજાઓ થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશ શંભુલાલ (નાભુ) ગોર (ઉ.વ.૩૪) (રહે. બાગ તા.માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે ૭ઃ૧પ કલાકે બાગ-પિપરી વચ્ચે બનવા પામ્યો હતો. એલઆઈસી એજેન્ટ તરીકે કામ કરતા શંભુલાલ બાબુલાલ મોતા (ઉ.વ.૪પ) (રહે. બાગ તા.માંડવી) ગઈકાલે પોતાના પરિવાર સાથે માંડવી મામલતદાર કચેરીમાં અમૃતમ કાર્ડ બનાવવા માટે ગયા હતા અને ત્યાંથી પરત પોતાની મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીજે. ૭૯પ૯ ઉપર જતા હતા ત્યારે બાગથી પિપરી જવાના રસ્તે ઉભેલા આઈવા ટ્રક નંબર જીજે. ૧ર. વાય. ૯૮૮૩ના ઠાઠામાં ધડાકાભેર મોટર સાયકલ ભટકાવતા પોતાને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી તો નાની દિકરી નંદનીને પણ શરીરે ઈજાઓ થઈ હતી. જ્યારે દિકરી મોહિનીને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું. નંદની તથા શંભુભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
હતા જ્યાં સારવાર દરમ્યાન રાત્રીના બે વાગ્યે શંભુભાઈએ દમ તોડી દેતા મરણ આંક બે ઉપર પહોંચ્યો હતો. પોલીસે શંભુભાઈ સામે બેદરકારી અને ગફલત ભરી રીતે બાઈક ચલાવી પોતાની દિકરીનું અને પોતાનું મોત નિપજાવવા સંદર્ભે ગુનો નોંધી પીએસઆઈ એમ.એચ. ગોસ્વામીએ તપાસ હાથ ધરી હતી. માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રીના મોતથી ગ્રામજનો તથા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યો હતું. તો આજે રાત્રીના ગામમાં રામદેવપીરનું આખ્યાન રમાનાર હતું તે ગોજારા બનાવના કારણે રદ્દ કરી દેવામાં આવેલ છે.