બાંધકામ માટેની મંજૂરી માટે હવે રાજકોટ સુધી થવું પડશે લાંબુ

કચ્છમાં કાર્યરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી કરાઈ બંધ : સરકાર દ્વારા નિયમોમાં કરાયેલા ફેરફારથી કચ્છનો સમાવેશ સૌરાષ્ટ્ર ઝોનમાં થયો : સત્તા મંડળના ચેરમેન સત્તાવગરના બને તો નવાઈ નહી !

ભુજ : કચ્છમાં નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ આડા, ભાડા અને રાડાના ચેરમેનોની નિમણુક અંગે હજૂ પણ સસ્પેન્સ યથાવત છે, ત્યારે ઓથોરીટીના ચેરમનોની નિમણુક અંગે અવરોધ સર્જાઈ શકે તેમ છે. સરકારે રાજ્યની નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટેના નિયમોમાં મહત્વના ફેરફાર જાહેર કર્યા છે, જેમાં મકાનના બાંધકામથી માંડીને ટાઉન પ્લાનર, કલમ ૨૫૭ હેઠળની નગરપાલિકાઓ સામેની ફરિયાદો સહિતના મુદ્દે મહત્વના ફેરફારો થયો છે. જે લોકોને સીધા જ સ્પર્શી રહ્યા છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છ ઉદય સાથે ખાસ વાતચીત કરતાં સરકાર દ્વારા કરાયેલા ફેરફારો અંગે પ્રકાશ પાડ્‌યો હતો, જેમાં સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટે કમિશનર ઓફ મ્યુનિસિપાલટીનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે, જે અંતર્ગત રાજ્યમાં અલગ ઝોન
પાડવામાં આવ્યા છે, જેમાં કચ્છની છ નગરપાલિકાઓ ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર અને પાંચ સત્તા મંડળોમાં ભુજ ભાડા, અંજારમાં આડા, ગાંધીધામમાં જીડીએ, ભચાઉમાં ભાડા અને રાપરમાં રાડાનો સમાવેશ સૌરાષ્ટ્ર ઝોનમાં કરાયો છે એટલે હવે કચ્છનું હેડ ક્વાર્ટર રિજીઓનાલ કચેરી રાજકોટ રહેશે. જેથી હવે કચ્છની છ નગરપાલિકાઓ અને ૫ શહેરી વિકાસ સત્તા મંડળોની બાંધકામ મંજૂરી, ડીપી અને રોડ રસ્તા જેવા વિકાસ પ્લાન, જિલ્લા કક્ષાની શહેરી વિકાસની કામગીરી સહિતની તમામ પ્રક્રિયાઓ રાજકોટથી થશે. આગામી ૧૫મી જુનથી કચ્છ કલેકટર ઓફિસમાં કાર્યરત અર્બન ડેવલોપ્મેન્ટ કચેરીનું સંચાલન રાજકોટથી કરાશે જેના કારણે કચ્છમાં કાર્યરત અર્બન ડેવલોપ્મેન્ટ ઓથોરિટીની કચેરી બંધ કરાઈ રહી છે. અને હાલ તમામ રેકર્ડ રાજકોટ પહોંચાડવાની કામગીરી કરાઈ રહી હોવાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતુ. મુખ્યમંત્રીએ બાંધકામની મંજૂરીની કામગીરી પારદર્શક અને ઝડપી બનાવવા માટે મહત્વનો ફેરફારો કર્યો છે, જેમાં હવે બાંધકામની અરજી ઓનલાઇન જ કરવી પડશે અને તે પણ રાજકોટ રિજીઓનલ કચેરીને મોકલવાની રહેશે. હવે આડા, ભાડા કે રાડા પાસેથી નહીં પણ બાંધકામની મંજૂરી રાજકોટથી જ મળશે. ઓનલાઇન પ્રક્રિયાના કારણે દરેકને સમયસર મંજૂરી મળશે અને કામગીરી પારદર્શક બનશે એવું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. આ ફેરફાર નવું મકાન બનાવનાર એકલ દોકલ નાગરિકથી માંડીને બિલ્ડરો સહિત તમામ લોકોને લાગુ પડશે. જિલ્લા કક્ષાએ પણ શહેરોમાં કંઈ નવું બાંધકામ કરવું હોય તો હવે ડુડા જિલ્લા શહેરી વિકાસ સમિતિને બદલે બાંધકામની મંજૂરી રાજકોટથી લેવી પડશે. તો બીજીતરફ રાજ્ય સરકારે જે મહત્વના ફેરફારો કર્યા છે તે જોતાં શહેરી વિકાસ સત્તા મંડળોનો મુખ્ય વહીવટ રિજીઓનાલ કચેરી દ્વારા જ ચાલશે. એટલે સ્થાનિકે વહીવટ જ ન હોય તો પછી ચેરમેનની કામગીરી શું રહેશે ? જો કે, જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું શહેરી વિકાસ સતા મંડળોમાં ચેરમેન રહેશે કે નહીં તે અંગે હજૂ સુધી કોઈ
સ્પષ્ટતા થઈ નથી. કચ્છ જિલ્લા માટે કમિશનર ઓફ મ્યુનિસિપલની રિજીઓનાલ કચેરી ૧૬મી જૂન થી રાજકોટ ખાતે શરૂ થઈ જશે. તેના માટે કચ્છમાં ફરજ બજાવી ગયેલા સનદી અધિકારી ગૌરાંગ મકવાનાને નિયુક્ત કરી દેવાયા છે. ઉપરાંત નગરપાલિકાના ઠરાવ સામે અત્યાર સુધી અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે કલેકટર સમક્ષ અપીલ કરાતી હતી. પરંતુ હવે આ ઠરાવ અંગેની અપીલ પણ રિજીઓનલ કમિશ્નર મ્યુનસિ પાલટી સમક્ષ કરવી પડશે. જેથી અપીલ કરનારને સુનાવણી દરમિયાન રાજકોટના ધક્કા ખાવા પડશે.