બાંદીપોરા અથડામણમાં બે ત્રાસવાદીને ઠાર કરી દેવાયા

જમ્મુ કાસ્મીરમાં ત્રાસવાદી હુમલાનો દોર અવિરત રીતે જારી : સવારમાં પોણા પાંચ વાગે હુમલો કરવામાં આવ્યો

શ્રીનગર : જમ્મુકાશ્મીરમાં એકપછી એક ખતરનાક ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ પણ ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવાર કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આના ભાગરૂપે આજે સવારે વધુ એક ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. કાશ્મીરના બાંદીપોરામા ંસુરક્ષા દળે બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતરી દીધા હતા. ઓપરેશનમાં સેનાના બે જવાન પણ શહીદ થયા હતા. બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી સામ સામે ગોળીબાર જારી રહ્યો હતો. ત્રાસવાદીઓએ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને સવારમાં વહેલી પરોઢે પોણા પાંચ વાગે હુમલો કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સેના કાશ્મીરમાં હાલમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. જેમાં લશ્કરે તોયબાના કેટલાક કમાન્ડર અને જેશના કુખ્યાત ત્રાસવાદી પણ સામેલ છે. સેના હાલમાં મોટા અને વધારે સક્રિય ત્રાસવાદીઓને શોધીને ઠાર કરી રહી છે. તેમાં સફળતા પણ મળી રહી છે. સરહદ પર ઘુસણખોરીના કેટલાક પ્રયાસો નિષ્ફળ કરવામાં આવ્યા છે. ઠાર થયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવમી ઓક્ટોબરના દિવસે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોએ હવે વધુ એક મોટી સફળતા હાંસલ કરી હતી. ભીષણ અથડામણમાં જૈશે મોહમ્મદના ઓપરેશન કમાન્ડર અબૂ ખાલીદને ઠાર કરી દેવામાં આવ્યો હતો. અબુ ખાલીદ ગયા સપ્તાહમાં બીએસએફ કેમ્પ ઉપર કરવામાં આવેલા હુમલામાં માસ્ટર માઇન્ડ તરીકે હતો. ત્યારબાદથી સુરક્ષા દળોએ તેની શોધખોળ હાથ ધરી હતી.ત્રીજી ઓક્ટોબરના દિવસે શ્રીનગર એરપોર્ટ નજીક બીએસએફ કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ હુમલો કરનાર ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા પરંતુ તેના કમાન્ડરની શોધખોળ ચાલી રહી હતી.જમ્મુ કાશ્મીરમા ત્રાસવાદીઓ તેમની હાજરીને પુરવાર કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે ત્રીજી ઓક્ટોબરના દિવસે વહેલી સવારે શ્રીનગર એરપોર્ટની નજીક સ્થિત બીએસએફ કેમ્પ પર ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે એક આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (બીએસએફ) શહીદ થયા હતા. ત્રાસવાદીઓની ટોળકીએ આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો. આ પહેલા છેલ્લા સપ્તાહમાં બાન્દીપોરામાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે પાકિસ્તાની સેનાના જવાનો સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબાર કરી રહ્યા છે. જમ્મ કાશ્મીરમાં ત્રાસવાદીઓને જુદી જુદી રીતે મદદ કરનાર કટ્ટરપંથીઓની શોધખોળ પણ ચાલી રહી છે.
ટેરર ફંડિગના મામલે પણ ઉંડી તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલાક ત્રાસવાદીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સાથે સાથે અલગતાવાદીઓની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓના સોર્સ ખતમ કરવાના જારદાર પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. જેના લીધો ત્રાસવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. ત્રાસવાદીઓ સામે સુરક્ષા દળોએ હાલમાં લાલ આંખ કરી છે.