બહેનો પ્રશાસનમાં ભાગીદાર બને : વાસણભાઈ આહિર

ભુજ : આવનારા દિવસોમાં બહેનો પ્રશાસનમાં ભાગીદાર બને તેવી હાકલ ભુજના ટાઉનહોલ ખાતે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે ‘અભયમ’ મહિલા સંમેલન પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહિરે કરી હતી.
મુખ્ય મહેમાન પદેથી રાજયમંત્રીએે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી હતી અને તેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે શિક્ષણથી લઇ પોલીસ ભરતી, અભયમ-૧૮૧ની સેવાઓમાં ઉચ્ચપદો પર બહેનોને સ્થાન આપી તેમનું સ્વમાન જળવાય તે દિશામાં કરેલા કાર્યોની યાદ અપાવી હતી.
વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદના ચેરમેન સુનિલભાઈ સિંઘીએ જણાવ્યું હતું કે, બહેનો સમાજમાં નિર્ભય બની આગળ વધે તેવા ઉમદા હેતુથી ‘અભયમ’ મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. રાજય સરકાર અનેક યોજનાના માધ્યમથી શ્રમિક બહેનોને સ્વનિર્ભર બનાવવા કૃતનિશ્ચયી છે. અતિથિવિશેષ પદેથી કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત જણાવ્યું હતું કે, રાજય અને કેન્દ્ર સરકાર બહેનોની સલામતિ માટે ખૂબ ચિંતિત છે. બહેનો સ્વનિર્ભર બની સમાજમાં આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેકાનેક યોજનાઓ ચાલી રહી છે. તેમણે એશિયન ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારી ડાંગની સરિતા ગાયકવાડને રાજય સરકારનો રૂ. ૧ કરોડનો પુરસ્કાર જાહેર કરાયો હોવાનું જણાવી બહેનોને વિવિધ ક્ષેત્રે આગળ આવવા આહ્વાન કર્યું હતું.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યેં જણાવ્યું હતું કે, કચ્છ મહિલા પ્રવૃતિ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. કારીગર મહિલાઓ હસ્તકલા ક્ષેત્રે દેશ-વિદેશમાં બહેનોના ટેરવાનો હુન્નર પ્રખ્યાત છે. મહિલાઓને જાગૃત બનીને અન્યાય સહન ન કરવા અને સરકારની અભયમ જેવી ૧૮૧ની સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી. ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકીએ મહિલાઓને સુરક્ષાની સાથે આત્મનિર્ભરતા માટે રાજય સરકારે લીધેલા પગલાંઓનો ઉલ્લેખ કરી બહેનો વિવિધક્ષેત્રે આગળ આવીને ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કરે તેવી હિમાયત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયા, અંજાર તા.પં. ઉપાધ્યક્ષા જયોત્સનાબેન દાસ, ભરતભાઈ સંઘવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ વિભાગ મારફતે અપાયેલ સેવા વિષે મહિલા પોલીસ સ્ટેશન,ભુજના એએસઆઇ રાજલક્ષ્મીબેને પ્રતિભાવો આપ્યા હતા. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ઇ-હેલ્થ એપનું વિડિયો લોન્ચીંગ પણ કરાયું હતું. આંગણવાડીમાં ભરતી થયેલ વર્કર તેમજ હેલ્પરોને વર્કઓર્ડર તેમજ મહિલા સુરક્ષાક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર વ્યકિતઓનું પ્રતિક સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજયમંત્રી સહિતના મહાનુભાવોએ એમ.આર.વેકસીન રથને ફલેગઓફ કરી સ્ટાર્ટ આપ્યો હતો.
પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોેષીએ કાર્યક્રમોનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. જિલ્લા પ્રોટેકશન અધિકારી બી.કે.ગઢવીએ સ્વાગત, આભારદર્શન પ્રોગ્રામ ઓફિસર રવિરાજસિંહ ઝાલાએ અને સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ.ભરાડા, અધિક કલેકટર ડી.આર.પટેલ, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણીયા, ડો. બ્રહ્મક્ષત્રિય સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.