‘બહેન’નો માસ્ટર સ્ટ્રોક ભાજપ માટે બનશે મુસીબત ?

કેશુભાઈ પટેલ પછીનું ભાજપ પાસેનો સૌથી મોટો ચહેરો હતા આનંદીબહેન

સામાજિક આંદોલનોના પડકારોથી ઘેરાયેલા ભાજપને આ એક નવો પડકારનો સામનો કરવો પડશે. : બધુ ઠીકઠાક કરવા મથી રહેલી ભાજપની રાષ્ટ્રીય-પ્રદેશ નેતાગીરી માટે સર્જાઈ નવી મુસીબત

 

આનંદીબેનનો વયમર્યાદાનો પત્રમાં ઉલ્લેખ અન્ય કઈની ઉંઘ પણ કરી દીધી હરામ

 

ચોથીએ લખેલ પત્ર નવમીએ કેમ વાયરલ થયો ?
ગાંધીનગર : આનંદીબેન પટેલનાં પત્રથી ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૪થી ઓકટોબરે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષને સંબોધીને લખાયેલો પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. કોના તરફથી તે વાયરલ કરાયો તે હજુ જાહેર થયું નથી પણ ૪થીએ લખાયેલો પત્ર ૯મીએ જાહેર કરાયો છે ત્યારે તેનાથી મળતા સંકેતોએ રાજકીય ખળભળાટ મચાવી મૂક્યો છે. સૂત્રોની માહિતી એવી છે કે, બેને ઘાટલોડિયાને બદલે અન્ય કમજોર બેઠક પરથી ચૂંટણી લડીને અન્ય બેઠકોને પણ બચાવવાની કોશીશ કરવી જોઈએ, એવો એક મત પક્ષની બંધબારણાની બેઠકમાં વ્યક્ત કરાયો હતો. જ્યારે બેન તેમની ઘાટલોડિયાની બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. તેમના નામ માટે ઘાટલોડિયામાંથી સિંગલ નામની રજૂઆત પણ થઈ હતી. હવે, જ્યારે તેમને અન્ય બેઠકનું સૂચવાતા તેઓ નારાજ થયા હતા એટલે તેમને સમજાવી લેવાના પ્રયત્નો કરાયા હતા પરંતુ બેને ૪થીએ પક્ષ પ્રમુખને પત્ર લખીને પોતે ચૂંટણી લડવા માંગતા નથી એમ જણાવી દીધું હતું. દબાતા અવાજે કેટલાક એમ પણ કહે છે કે, પક્ષના સૂચનને અવગણીને બેન ઘાટલોડિયાથી ચૂંટણી મેદાનમાં ઉતરે તો તેમની સામે પક્ષમાંથી અન્ય વિરોધ જૂથ દ્વારા તેમનું જીતવું મુશ્કેલ કરાય, તેવી શક્યતા સામે આવી હતી.

 

ગાંધીનગર : આનંદીબહેન પટેલે પત્ર લખી રાજકીય દ્રષ્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. ગયા વર્ષે ૭૫મા વર્ષની ઉજવણી મુખ્યપ્રધાન પદેથી કરે એ પહેલા રાજકીય પરિસ્થિતિથી મજબૂર આનંદીબહેનનો રાજીનામાનો પત્ર ફેસબુક પર મુકાયો હતો. એ વખતે એવું કારણ આગળ કરાયું હતું કે, પક્ષમાં ૭૫ વર્ષના સિનિયરોએ પદ કે હોદ્દા પર રહેવું જોઇએ નહીં. આ નિયમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી અમિતભાઇ શાહના કાર્યકાળથી લાગુ થતાં અનેક સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. બહેને આ જ વણલખ્યા નિયમને હથિયાર તરીકે ઉગામ્યું છે.વિધાનસભાના અંતિમ સંબોધનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી ચૂંટણી ઓબીસી કેન્દ્રિત જ લડાશે એવી દિશા સ્પષ્ટ કરી હતી. ઓબીસી, એસટી, એસસી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરે જેટલા સામાજિક આંદોલન છેડ્‌યા એનો ભાજપની વિજય રૂપાણી સરકારે તાબડતોબ ઉકેલ લાવી દીધો હતો, તેના લીધે સામાન્ય કાર્યકરોમાં એક છાપ ઊભી થઇ છે કે  અલ્પેશ ઠાકોર ચૂંટણી ટાણે ભાજપ સાથે જોડાઇ શકે છે. જ્યારે  પાટીદાર સમાજને અનામત મળવી જોઇએ એવી માગણી સાથે આંદોલન કરી રહેલા હાર્દિક  પટેલ સામે ફરીથી કેસ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી,
પરંતુ તેની માગણીઓના ઉકેલની દિશામાં કોઇ પહેલ થતી નહતી અથવા તો જાણી જોઇને વિલંબ થઇ રહ્યો હતો. ચૂંટણી માટે વાતાવરણ ઊભું કરવા મથી રહેલા ભાજપને ગુજરાતનું વ્હેણ પોતાના તરફ બનતું નથી એવું જણાતા સાવ છેલ્લી ઘડીએ
પાટીદાર સમાજના આગેવાનો, આંદોલનકારો સાથે બેઠક યોજી ચારેય માગણીઓને શીરાની જેમ સરકારે સ્વીકારી ગળે ઉતારી લીધી.! આમ છતાં હજુ હાર્દિકની સભાઓની મેદની ભાજપના નેતાઓની ઉંઘ હરામ કરી રહી છે. આનંદીબહેનના પગલાથી
પાટીદાર સમાજમાં અનેક પ્રકારના અર્થઘટનો સાથેના સંદેશા વહેતા થયા છે. આ સમયે જ એમણે ચૂંટણીની અનિચ્છા જાહેર કરી  પોતાના હથિયાર હેઠાં મુક્યા છે કે છુપુ હથિયાર ઉગામ્યું છે એ તો આવનારો સમય જ કહે છે પણ હાલ તો ભાજપની સ્થિતિ વધારે કફોડી બની રહેશે એ સ્પષ્ટ છે. નિષ્ણાતો માને છે કે બહેનના આ પગલાંથી સામાજિક આંદોલનોના પડકારોથી ઘેરાયેલા ભાજપને આ એક નવો પડકારનો સામનો કરવો પડશે. એમનું માનવું એવું પણ છે કે માની લો કે બહેન ચૂંટણીમાં ઊભા રહે અને જીતી જાય, તો  પછી એમને કોઇ પદ ઓફર કરવું હોય તો ફરીથી ૭૫મા વર્ષનો જ મુદ્દો આવીને ઊભો રહે.જોકે, આનંદીબહેનના કેટલાક સમર્થકો એવું માને છે કે ગયા વર્ષે બહેન ગુજરાતને ઠીક કરવા મથી રહ્યા હતા ત્યારે એમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી. હવે ભાજપના રણનીતિકારો ગુજરાતની સ્થિતિને કાબૂમાં લેવા મથી રહ્યા છે ત્યારે બહેને  પોતાના હથિયારનો ઉપયોગ કર્યો છે. લો, તમે બધુ ઠીક કરી શકો છો તો કરી લો ! જે પણ હોય તે પણ કેશુભાઇ પટેલ પછી ભાજપ પાસે મજબૂત બહેનના સ્વરૂપે એક પાટીદાર ચહેરો હતો એ હવે આગામી ચૂંટણીમાં નહીં હોય.