બહુમતથી ચૂંટણી જીતીશુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકની શરૂઆત થઈ ગઈ છે. ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આયોજીત આ બેઠકમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન પછી જે સ્થિતિ ઉભી થઈ છે તે વિશે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી નક્કી કરશે કે આ મામલે વિપક્ષને કેવી રીતે જવાબ આપવો છે અને ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે તેનો કેવી રીતે નીકાલ લાવવો છે. રાષ્ટ્રીય કાર્યકારીમાં પાર્ટી એનઆરસી વિશે પણ મોટા પાયે ચર્ચા કરવાના છે.
બેઠકની શરૂઆત બીજેપી અધ્યક્ષ અમિત શાહના ભાષણથી થઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, આપણે ૨૦૧૪થી વધારે બહુમતથી જીતવાનું છે. આપણી પાસે દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું છે કે, ૩ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાણા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.આ બેઠકમાં આગામી થોડા મહિનામાં થનારી ૩ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી થોડા મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં બીજેપી સત્તા પર છે. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી બીજેપીએ સત્તા પર કબજો જમાવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટી છેલ્લા ૧૫ વર્ષથી સત્તા પર છે. હાલ તેમની સત્તા જાળવી રાખવી પાર્ટી માટે મોટો પડકાર છે.