બહુચર્ચિત પોસ્ટકાંડ કેમ થયું શાંત..? સર્જાયા અનેક તર્ક વિતર્કો

ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં દંપતિએ રેકોર્ડમાં ચેડા કરી આઠ કરોડથી વધુનું આચર્યું છે કૌભાંડ : જાન્યુઆરીમાં સપાટી પર આવેલા આર્થિક ગોટાળામાં પ્રારંભે પોસ્ટ તંત્ર તેમજ પોલીસ વિભાગે વાજતે ગાજતે કાર્યવાહીનો ઢોલ પીટયા બાદ હવે એકાએક હથિયારો હેઠા મુકી દેવાયાનો સર્જાયો તાલ : એજન્ટ દંપતિ સાથે પોસ્ટ વિભાગના પલળેલા કર્મચારીઓ અને મોટા માથાઓની પણ આ પ્રકરણમાં સંડોવણી હોઈ કયાંકને કયાંક સફેદ કોલર ધારીયો સુધી રેલો ન પહોંચે તે માટે આખાય પ્રકરણને કરાવી દેવાયો શાંત

(બ્યુરો દ્વારા)ભુજ : શહેરની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં એજન્ટ સચીન ઠક્કર આ તપાસ ઈડીને અપાય તોજ આ કૌભાંડના મૂળ મૂળીયા નિકળે દંપતિએ આચરેલા કરોડોના કૌભાંડની ગુંજ ગાંધીનગર પહોંચી હતી. રાજયની પોસ્ટ ઓફિસોમાં થયેલા ગોટાળાઓમાં ભુજના કૌભાંડને સૌથી મોટું ગણવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી માસમાં બહાર આવેલા આર્થિક ગોટાળામાં પ્રારંભે પોસ્ટ તંત્ર તેમજ પોલીસ વિભાગે વાજતે ગાજતે કાર્યવાહીનો ઢોલ પીટયો હતો, પરંતુ પાછલા થોડા સમયથી એકાએક હથિયારો હેઠા મુકી દેવાયા હોય તેમ આ પ્રકરણમાં કોઈ જ સળવળાટ દેખાઈ રહ્યો ન હોઈ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે.આ અંગેની વિગતે વાત કરીએ તો ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આઠ કરોડ કરતા વધુની રકમના આચરાયેલા કૌભાંડમાં જાન્યુઆરી માસમાં માત્ર ૩૪ લાખની ફરિયાદ નોંધાવી પ્રારંભે જ કરોડોના કૌભાંડને લાખોમાં ખપાવી દેવાયું હતું. આ પ્રકરણમાં સચિન ઠક્કર, મહિલા એજન્ટ એવા પ્રજ્ઞાબેન સચિનભાઈ ઠક્કર, રાવલવાડી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરોની સંડોવણી બહાર આવી હતી. પોસ્ટ વિભાગે સબ પોસ્ટ માસ્તર પાસેથી ૮.ર૪ કરોડની રિકવરી માટે નોટીસ પણ ફટકારી હતી. બહુચર્ચિત આ કૌભાંડમાં મુખ્ય કૌભાંડીઓને ઝડપવામાંં પ્રારંભે પોલીસ તંત્ર દ્વારા ઢીલાશ પણ દાખવાઈ હતી. કરોડોનું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ સ્થાનિક પોસ્ટ તંત્ર દ્વારા લાંબા સમય સુધી મગનું નામ મરી પાડવાની તસ્દી લેવાઈ ન હતી. કચ્છની મુલાકાતે આવેલા પોસ્ટ માસ્તર જનરલ દ્વારા અંદાજે સાડા આઠ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની કબુલાત કરાયા બાદ સ્થાનિક પોસ્ટ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. પોસ્ટ માસ્તર જનરલે તો આ કૌભાંડને અત્યંત ગંભીર બતાવી સીબીઆઈ તપાસ કરાવાશે તેવી વાત પણ ઉચ્ચારી હતી. જો કે, હજુ સુધી આ પ્રકરણમાં સીબીઆઈની એન્ટ્રી તો થઈ નથી. પરંતુ પોલીસ તંત્રે પણ કયાંકને કયાંક તપાસની ગતિને મંદ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડના મુખ્ય આરોપી એવા સચિન ઠક્કરે પોલીસ લોકઅપમાંથી ફરાર થયા બાદ નાટકીય રીતે સાંજે તેની ધરપકડ પણ થઈ ગઈ હતી. જો કે, સચિને પોલીસ સ્ટેશનમાંથી નવ દો ગ્યારાહ થયા બાદ આ કૌભાંડ સંદર્ભે મહત્વના દસ્તાવેજોને ગૂમ કર્યાની સાથોસાથ જવાબદારોને સાચવવા માટે મોટી લેતી દેતીના હવાલાઓ પણ કરાવ્યા હોય તેવી ચર્ચાઓ જે તે સમયે જ ઉઠી હતી અને આ ચર્ચાઓ કયાંકને કયાંક સાચી હોય તેવું વર્તમાને લાગી રહ્યું છે. કેમ કે, સચિન ઠક્કરનું કલાકો માટે જ ફરાર થવું અને પકડાઈ જવું. ત્યાર બાદ આ કેસમાં કોઈ જ ગતિવિધિ જોવા મળી નથી. આ કૌભાંડમાં તપાસ ઈડીને આપવામાં આવે તો દુધનો દુધ અને પાણી બહાર આવી જાય.