બસ સ્ટેશન પાસે જ ગટરની લાઈન તૂટતાં નગરજનો પરેશાન

નખત્રાણા : છેલ્લા ઘણાં સમયથી નખત્રાણાની ગટરની સમસ્યા માથાનો દુખાવો બની છે. તંત્ર એક સાંધે ત્યાં તેર તુટે એવો તાલ સર્જાયો છે. તાજેતરમાં જ ટેમ્પોસ્ટેન્ડ, કેપિટલ પાસે માંડ માંડ લાઈન સંધાણી ત્યાં હવે શિવશક્તિ પ્લાઝા અને રંજના રેસ્ટોરેન્ટ પાસેની શેરીઓ વહેતી ગટરથી નગરજનો પરેશાન બન્યા છે. શિવમ કોમ્પ્લેક્ષ પાસે છેલ્લા પંદર દીવસથી ગટરની દુર્ગંધથી બસસ્ટેશન માં તેમજ જાહેર માર્ગ ઉપરથી પસાર થતા લોકો નાકે રૂમાલ દઈને પસાર થાય છે. માંડ માંડ થીગડું દેવાયું ત્યા વળી પાછો શિવશક્તિ પ્લાઝા પાસે ગટરે ઉભરો લીધો. અહીં ખાણી પીણીની દુકાનો આવેલી હોવાથી લોકોના આરોગ્યને પણ અસર થઈ શકે છે. માથે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે આ સમસ્યા વહેલી તકે ઉકેલાય એવી નગરજનો માંગ કરી રહ્યા છે.