બળાત્કાર જેવી ઘટનામાં જૈન સમાજ કેમ મૌન?  માત્ર રજુઆતો કરીને બેસી કેમ રહ્યો..?

ભુજ મેન્ટલ હોસ્પિટલ બળાત્કાર કેસમાં થાય.. તો માંડવી પ્રકરણમાં ડીએનએ ટેસ્ટ કેમ નહીં?

ભુજ : શહેરના કેમ્પ વિસ્તારમાં આવેલ મનોચિકિત્સા હોસ્પિટલમાં મંદબુદ્ધીની મહિલા ઉપર અજાણ્યા શખ્સ દ્વારા બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાના કિસ્સામાં હોસ્પિટલ સ્ટાફ તથા બહારની વ્યક્તિઓના ડીએનએ ટેસ્ટ કરવામાં આવેલ ત્યારે માંડવીના જૈન આશ્રમમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર થયેલા દુષ્કર્મમાં આશ્રમના કામ કરતા તમામ માણસોનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થવા પામી છે.ભુજ શહેરમાં આવેલ મનોચિકિત્સા હોસ્પિટલમાં મંદબુદ્ધિ માનસીક રોગી મહિલા ઉપર ગત તા. ૧પ-૧૦-૧૬થી ૧૦-૧૧-૧૬ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધાનો મામલો ૯-૧ર-૧૬ના સપાટી ઉપર આવતાં ચકચાર મચી જવા પામી હતી. કેસની તપાસ કરતા પીઆઈ કક્ષાના અધિકારીએ બળાત્કારીને ઝડપી પાડવા અનેક શકમંદોને તપાસ્યા હતા, પરંતુ પરિણામ શુન્ય રહેવા પામ્યું હતું. બળાત્કાર ગુજારનાર હોસ્પિટલનો કોઈ સ્ટાફનો નથી ને તે જાણવા માટે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તથા હોસ્પિટલના તમામ કર્મચારીઓ ઉપરાંત હોસ્પિટલમાં કલર કામ તથા કડિયા કામ કરતા મજુરો ઉપરાંત હોસ્પિટલની સુરક્ષામાં રહેતા પોલીસ સુરક્ષા કર્મીઓના પણ ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. તો પછી માંડવીમાં પ્રજ્ઞાચક્ષુ આધેડ મહિલા ઉપર કોણે બળાત્કાર ગુજાર્યો હતો. આ ચકચારી કેસમાં જૈન આશ્રમમાં રહેતા ચોકીદારોથી માંડીને આશ્રમમાં કામ કરતા વ્યક્તિઓના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે તો બળાત્કારનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી શકે તેમ છે.

 

ભુજમાં જૈન  દેરાસરના ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલવા જૈન સમાજે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે પ્રજ્ઞાચક્ષુ જૈન મહિલા ઉપર આચરાયેલા દુષ્કર્મ કેસમાં સમાજ આગળ નહીં આવવા પાછળ કયા કારણો કારણભૂત : પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચા : પાછળ સીસી ટીવી કેમેરા નથી : કોઈ જાણભેદુને જ ખબર હોય…?

 

ભુજ : માંડવીની ભાગોળે ભુજ માંડવી હાઈવે ઉપર આવેલ જૈન આશ્રમમાં રહેતી આધેડ વયની પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર કોઈ અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી હતી. ચકચારી બનાવને પખવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં બળાત્કારીને પકડી પાડવામાં કાયદાના રક્ષકો નાકામ રહ્યા છે. ત્યારે જૈન મહિલા ઉપર થયેલા બળાત્કારના મામલામાં જૈન સમાજની ચુપકીદી સામે અનેક સવાલો વહેતા થવા પામ્યા છે.  પ્રાપ્ત વિગતો મુજબ માંડવી ભુજ હાઈવે ઉપર આવેલા જૈન આશ્રમમાં રહેતી મૂળ વડાલા તા. મુંદરાની ૪૮ વર્ષિય પ્રજ્ઞાચક્ષુ આધેડ મહિલા ઉપર ગત તા. ૪/પ-૯-૧૭ની રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે જૈન આશ્રમના રૂમમાં રહેતી મહીલાના રૂમની પાછળની બારીના સળિયા તોડી રૂમમાં પ્રવેશ કરી મહિલા ઉપર બળાત્કાર ગુજારી આરોપી પલાયન થઈ ગયો હતો. બળાત્કારના મામલાની સવારે જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ગંભીર રીતે ઘવાયેલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવની ગંભીરતા સમજી પશ્ચિમ કચ્છ એસ.પી. મકરંદ ચૌહાણે પણ જૈન આશ્રમની મુલાકાત લઈ બળાત્કારીને ઝડપી પાડવા તપાસનીશને તાકીદ કરી હતી. જૈન આશ્રમમાં લાગેલા ૧૭ જેટલા સીસી ટીવી કેમેરાની તપાસ કરતા તેમાં બળાત્કારી સુધી પહોંચવાના પોલીસને કોઈ જ ફૂટેજ મળ્યા ન હતા. કારણ કે, સીસી ટીવી કેમેરા માત્ર આગળના ભાગે જ લાગેલા હતા. જયારે પાછળના ભાગે કેમેરા ન હોવાથી બળાત્કારી કણ અને કયાંનો તે અંગે પોલીસને કોઈ જ સુરાગ હાથ લાગ્યો ન હતો. અને આજે પણ આ ચકચારી બળાત્કારનો મામલો અકબંધ રહેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૪-૧૧-૧૬ના ભુજના હોસ્પિટલ રોડ અને કચ્છમિત્ર ભવન પાછળ આવેલ જૈન દેરાસરમાં ચોરીના ઈરાદે ઘુસેલા ચોરને ચોકીદાર ભૂપતભાઈ રમણીકભાઈ જેઠી (ઉ.વ. ૪૪) (રહે ગણેશનગર, ભુજ)એ પડકારતા ચોર શખ્સે ભૂપતને ટુપો દઈ મોતને ઘાટ ઉતારી દાનપેટીમાંથી ૧૦ હજાર રોકડ ચોરી જતા ખળભળાટ મચી જવા પામી હતી. ચોકીદારના હત્યારાને ઝડપી પાડવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગૃહવિભાગને જૈન સમાજના અગ્રણીઓએ આવેદનપત્રો પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારે માંડવીના જૈન આશ્રમમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર બળાત્કારના મામલામાં જૈન સમાજ કેમ આગળ આવતો નથી. આવા અનેક સવાલો પ્રજાજનોમાં ચર્ચાવા લાગ્યા છે. પોલીસ દ્વારા આ મામલાની તટસ્થ અને  નિષ્પક્ષ પણે તપાસ કરે તો સત્યતા બહાર આવવાની સાથે ભેદ ઉકેલાઈ શકે તેમ છે.