બળાત્કારના ગુના વધ્યા તો રામરાજ્ય કેમ આવશે?

મુંબઈઃ બળાત્કાર મામલે ભાજપના નેતાના નિવેદનને ટાંકી શિવસેનાએ સવાલ કર્યો હતો કે કાયદો અને વ્યવસ્થા નિયંત્રણની બહાર જતા રહ્યા છે ત્યારે રામરાજ્ય કેવી રીતે સ્થાપવામાં આવશે, તે ભાજપ જણાવે. પોતાના સાથી પક્ષ પર ફરી લક્ષ્ય સાધી તેમણે જણાવ્યું હતું કે નિર્ભયા કેસ દરમિયાન વિરોધપક્ષ તરીકે બળાત્કાર અંગે તેમના મંતવ્યો અલગ હતા, હાલમાં અલગ છે.
ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્ર સિંહે બળાત્કાર તો ભગવાન રામ પણ અટકાવી શક્યા ન હતા, તેવું નિવેદન આપ્યું હતું. સેનાએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ભાજપ રામરાજ્ય સ્થાપવાની વાત કરે છે, પરંતુ તે કઈ રીતે થશે તે જણાવતું નથી. ઉત્તર પ્રદેશ સહિત દેશમાં મહિલાઓ પર બળાત્કાર અને જાતીય સતામણીના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓને રોકવાને બદલે ભાજપ ભગવાન રામ પણ બળાત્કાર રોકી નથી શક્યા તેવી વાતો કરે છે, તેવી ટીકા શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કરવામાં આવી રહી છે. આવા નિવેદનો સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાંથી બહાર નીકળી ગયા છે. ‘અચ્છે દિન’નું વચન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું, પરંતુ મોંઘવારીથી માંડી કાળાં નાણાં પરત લાવવાના વચનો પૂરાં કરવામાં આવ્યા નથી.