બન્ની વિસ્તારમાં જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા બાળકો અને ગર્ભવતી માતાઓ માટે લેવાતી તકેદારી

કોરોનાની બીજી લહેર બાદ પુનઃ શરૂ થયેલા આઉટરીચ કાર્યક્રમમાં ૪ આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૭૫ ગર્ભવતી માતા અને બાળકોને અપાઈ સારવાર

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા કોરોનાની બીજી લહેરને કારણે બન્ની વિસ્તારમાં સારવાર, નિદાન કાર્યક્રમ માટે જુદા જુદા આરોગ્ય કેન્દ્રની મુલાકાતમાં વિક્ષેપ પડ્યા બાદ પુનઃ જૂન માસથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને બાળકો તથા ગર્ભવતી મહિલાઓની સારવાર કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી તંત્રના સૂચવ્યા મુજબ બન્ની પંથકમાં ગર્ભવતી માતાઓ અને બાળકોની સલામતી માટે જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા આ ક્ષેત્રના તબીબોની ટીમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર અઠવાડિયે મોકલવામાં આવે છે અને બાળકો તથા ગર્ભવતી માતાઓની આરોગ્યની સુરક્ષાની દિશામાં સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા આ આઉટરીચ કાર્યક્રમના ભાગરૂપે જુનની ૧૪મીથી ૫મી જુલાઇ સુધીમાં દિનારા, ગોરેવલી, ભીરંડિયારા, ખાવડાની મુલાકાત લઈ બાળકો તથા ગર્ભવતી માતાઓ સહિત કુલ ૧૭૫ દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી.
આ આઉટરીચ કાર્યક્રમમાં સ્ત્રીરોગ વિભાગના ડો. પૂજા આહીર, ડો. સાધના ફૂલફૂલઅને બાળરોગ વિભાગના ડો. હરિક, ડો. આનંદ સરોડવાએ દર્દીઓની સારવાર કરી હતી. બન્ની વિસ્તારમાં મહિનાના પ્રથમ સોમવારે ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બીજા સોમવારે દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્રીજા સોમવારે ગોરેવલી પ્રા. આ. કેન્દ્ર અને ૪થા સોમવારે ભીરંડિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સારવાર કરે છે. જે ગર્ભવતી માતાને અને બાળકને વધુ તકલીફ હોય અથવા પોષણની વધુ ખામી હોય તેમને જી.કે. હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.