બન્નીમાં મુખ્યમંત્રી ઘાસચારા પ્લોટની ઊંડી ખાઈઓ બંધ કરો

બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને કલેકટરને પાઠવ્યું આવેદન

ભુજ : બન્નીમાં મુખ્યમંત્રી ઘાસચારા પ્લોટની ઊંડી ખાઈઓ પુરવામાં આવે તેવી માંગ સાથે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કલેકટરને પત્ર પાઠવી માંગ કરી છે.સંગઠનના પ્રમુખ સાલેમામદ ફકીર મામદે રજૂઆત કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ઘાસચારા વિકાસ પ્લોટની ખુલ્લા ચરિયાણ જમીનોમાં પર ઊંડી ખાઈઓ બનાવેલ છે જેમાં ચરિયાણાની શોધમાં અબોલ પશુઓ પડી જતા મોતને ભેટે છે. આ અંગે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરાઈ હતી, પરંતુ તે બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. હજુ પણ વધુ પશુઓ ખાઈમાં પડીને મૃત્યુ પામી રહ્યા છે. આ અંગે તા.૧૯/૯ સુધી કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો બીજા દિવસે બન્નીના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર જઈ સ્વયં રીતે ખાઈઓ હટાવવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે. તેમજ હાલ ગ્રીન ટ્રિબ્યુનલની આદેશ મુજબ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે જેમાં પંચાયતોની ઘર બાજુની જમીનમાં પશુઓના ઉપયોગ માટે ઝાડી-ઝાંખરાના વાડા, જીલ, તળાવને હટાવવામાં આવે છે તેને હટાવવામાં ન આવે તેવી પણ સંગઠન દ્વારા માંગ કરાઈ છે.આ આવેદન વેળાએ સંગઠનના અબ્દુલ જત, રમજાન જોડીયા, હાજી હાસમ નોડે, ઈસા નાઈ મુતવા સહિતના હાજર રહ્યા હતા.