બનાસકાંઠામાં સગીરાનું અપહરણ કરનાર શખ્સને ભચાઉ પોલીસે ઝડપ્યો

ભચાઉ : બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છના ઈન્ચાર્જ એસપી સૌરભ તોલંબીયાની સુચનાથી ભચાઉ પોલીસની ટીમ ગુમ થયેલા તેમજ અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે પેટ્રોલિંગમા હતી, તે દરમિયાન ભચાઉ પીઆઈ જી.એલ. ચૌધરીને મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે આરોપી શૈલેષ રમેશજી વાઘેલા (ઠાકોર) (ઉ.વ.20, રહે. સનેસડા તા.ભાભર, જિ. બનાસકાંઠા)ની ધરપકડ કરાઈ હતી. આરોપી ભચાઉ તાલુકાના ચોપડવા ચિરઈ ગામની સીમમાં હોવાની બાતમીને આધારે તેને ઝડપી પાડી ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવાઈ હતી. અને ભાભર પોલીસને આરોપીનો હવાલો સોંપાયો હતો.