બજેટ અંગે નીતિ આયોગઃ નથી સારા સંયોગ

નવી દિલ્હી : નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવકુમાર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યોએ દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આયાત જકાતમાં કરાયેલા વધારા સામે વાંધો ઉઠાવ્યો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ સામાન્ય બજેટની રજૂઆત વખતે આ જાહેરાત કરી હતી.વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં બજેટ અંગે યોજાયેલા વાર્તાલાપમાં રાજીવકુમારે જણાવ્યું હતું કે હું આશા રાખું કે આ કામચલાઉ વાત હશે. અમે જેવું વિચાર્યું હતું તેવું સફળ મેક ઈન ઈન્ડિયા રહ્યું નથી. મારુતિ (સુઝુકી)માં કરાયું હતું તેમ જ મેન્યુફેકચરિંગમાં પણ ટાર્ગેટ એપ્રોચ ઘડી કઢાય તે માટે બજેટમાં આયાત જકાતમાં વધારો કરાયો હતો. રાજીવકુમારે સલાહકાર પરિષદના સભ્યોને જણાવ્યું હતું કે તેઓ બજેટની આ ચિંતાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કરે.પરિષદના સભ્ય સુરજીત ભલ્લા જેવા સભ્યોએ બજેટમાં શેર પર લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ (એલટીસીજી) લાદવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એલટીસીજી ફરી લાદવાનો સરકારનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો નીતિ વિષયક નિર્ણય છે. તેના માટે કોઈ પાયો કે આધાર જ નથી. બજેટમાં આ રીતે રૂ. ૨૦ હજાર કરોડ મળવાનો અંદાજ મુકાયો છે, પરતુ તેનાથી પાંચ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે નહીં મળે.રાજીવકુમારે જણાવ્યું હતું કે તેમને લાઈસન્સ રાજનું પુનઃરાગમન થતું હોવાનું દેખાય છે અને ૧૯૭૦ના દાયકા જેવી સ્થિતિનું ફરી સર્જન થતું હોય તેમ જણાય છે. તે સમયે છાસવારે ઈમ્પોર્ટ ટેરિફ લાગુ કરાતા હતાં. દેશમાં ઉંચા વ્યાજ દર પણ એક મુદ્દો છે. તેમાં ઘટાડો થઈ શકે છે.પરિષદના બીજા એક સભ્ય રધિન રોયે જણાવ્યું હતું કે હાલમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી ૧૦ વર્ષમાં દેશ ફિસ્કલ ક્રાઈસિસમાં સપડાઈ જવાની શક્યતા છે. સંકલ્પ પૂર્ણ નહીં કરવાને લીધે આપણી શાખ પણ ખરડાઈ છે.