બંદરીય શહેર માંડવીમાં દસ દિવસનો સ્વૈચ્છીક રાત્રી કર્ફ્યું લગાવાયો

ર૦મી એપ્રીલ સુધી રાત્રીના ૮ઃ૩૦થી સવારના પ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાળવા અનુરોધ

માંડવી : કોરોના મહામારીએ ફરી માથુ ઉચકયું છે ત્યારે રાજ્ય સરકારે ગાંધીધામ અને ભુજમાં રાત્રી કર્ફ્યુ જાહેર કર્યું છે. ત્યારે માંડવી શહેરમાં સ્વૈચ્છિક રીતે ર૦મી એપ્રીલ સુધી રાત્રીના ૮ઃ૩૦થી સવારના પ વાગ્યા સુધી નાઈટ કર્ફયુ લગાવવાનો નિર્ણય જાહેર કરાયો છે. માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજીના અધ્યક્ષ સ્થાને કોરોના સાવચેતીના પગલા લેવાના ભાગરૂપે નગરપાલિકાના ચુનીલાલ વેલજી ઉદ્યાનમાં બેઠક મળી હતી. બેઠકમાં નગરપાલિકાના સદ્દસ્યો, માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, માંડવી શહેરના વિવિધ સમાજના પ્રમુખો, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા વિવિધ એસોસિએનના વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં હાલે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ શહેરીજનો તેમજ માંડવી શહેરમાં વધી રહેલા કોરોનાના કેસની પરિસ્થિતિને ધ્યાને લેતા શહેરના તમામ વેપારીઓ પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉન પાળે જેથી કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવી શકાય તે અંગેની ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, તા. ર૦-૪ સુધી ૧૦ દિવસ સુધી રાત્રે ૮ઃ૩૦થી પ કલાક સુધી શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે, જે સમય દરમ્યાન કોઈ પણ નાગરિક ઘરથી બહાર નિકળશે નહીં. આ ઉપરાંત વેપારીઓએ પોતાની દુકાને આવતા ગ્રાહકોને માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરવા, સોશ્યિલ ડિસ્ટેન્સીંગનો ચૂસ્ત પણે પાલન કરાવવાનું રહેશે તેવું માંડવી નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે, અલબત સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાં અમુક વેપારીઓ દુકાનો ખુલી રાખતા હોવાના અને બીચમાં પણ ચહલપહલ હોવાના કિસ્સા સામે આવતા જ રહે છે.