ફી નિયમન એકટ મુદ્દે જિલ્લા-તાલુકાની બનાવાઈ તપાસ કમિટી

સરકારના ધારા ધોરણો મુજબ ખાનગી શાળાઓમાં કરાશે તપાસ : માર્ચ પહેલા રીપોર્ટ તૈયાર કરીને સરકારમાં કરાશે રજુ

 

ભુજ : ફી નિયમનના કાયદા અન્વયે હાલ ગુજરાતભરમાં ખડભળાટ મચેલો છે. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ પડતી ફી વસૂલતી શાળાઓ સામે રોષ પ્રવર્ત્યો છે. તેવામાં કચ્છ જિલ્લાના શિક્ષણ ખાતા દ્વારા તમામ તાલુકાઓમાં એક-એક કમિટી અને એક જિલ્લા સ્તરની કમિટી બનાવવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં ૩૧૯ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. ત્યારે સરકારના નવા નીતિ નિયમો મુજબ જ મોટાભાગની શાળાઓ દ્વારા ફી વસુલવામાં આવી રહી છે. જ્યારે પ૮ જેટલી શાળાઓ દ્વારા વધુ ફી ઉઘરાવવામાં આવે છે. ત્યારે આ શાળાઓ દ્વારા સરકારની ફી રેગ્યુલેશન કમિટીમાં ફી વધારવા માટે દરખાસ્ત કરાઈ છે જેની સુનાવણી ચાલી રહી છે તેવામાં જિલ્લા શિક્ષણ તંંત્ર દ્વારા ફી નિયમનના કાયદાને ધ્યાને રાખીને દરેક તાલુકાઓમાં કમિટી બનાવાઈ છે. જેમાં દરેક તાલુકાના ટીપીઈઓ અને બીઆરસીની ટીમો બનાવાઈ છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાની એક ટીમ બનાવવામાં આવી છે. શિક્ષણ ખાતા દ્વારા બનાવાયેલી આ ટીમો દ્વારા દરેક ખાનગી શાળાઓની મુલાકાત લઈને સરકારના ધારા ધોરણો મુજબ શાળાની તપાસ કરવામાં આવશે. જેમાં શાળાઓ ગત વર્ષે કેટલી ફી વસૂલતી હતી, આ વર્ષે ફીનું ધોરણ શું છે, શાળાના ઈન્ફ્રાસ્ટ્રકચરનું મૂલ્યાંકન કરવામાં આવશે. મિલકતના રજીસ્ટરો ચકાસવામાં આવશે. શાળાના બાળકોની સંખ્યા, શિક્ષકો તાલીમી છે કે કેમ આવા ર૦ જેટલા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. તાલુકા સ્તરની ટીમો દ્વારા તપાસ થયા બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ અપાશે અને જિલ્લા કક્ષાની ટીમ દ્વારા પણ કેટલીક શાળાઓની તપાસ કરીને અહેવાલની ખરાઈ કરાશે. ખાસ તો જે શાળાઓએ ફી વધારે લેવા માટેની દરખાસ્ત ફી રેગ્યુલેશન કમિટીને કરી છે તેમાં એવી કઈ સુવિધા છે જેના કારણે શાળાઓ ફી વધારવા માંગે છે. ત્યારે તેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. શિક્ષણ ખાતાની ટીમો દ્વારા તૈયાર કરાનારા રિપોર્ટ માર્ચ પહેલા રાજ્ય સ્તરે મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકારના નીતિ નિયમોને આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સુવર્ણકારે જણાવ્યું હતું.