ફરી મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણની અટકળો

ચોમાસું અધિવેશન પહેલા મહામંડળોના પદાધિકારીઓની પણ નિયુક્તિ

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસ સરકારનો કાર્યકાળ હવે માત્ર એકાદ વર્ષ જેટલો બાકી છે અને તમામ પક્ષ લોકસભા સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓ કરવામાં લાગ્યા છે ત્યારે ફરી કેબિનેટના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે. હાલમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેનેડા અને અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમના પરત આવ્યા બાદ કેબિનેટનું વિસ્તરણ, મહામંડળોના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે કેબિનેટના વિસ્તરણની અટકળો દરેક અધિવેશન પહેલા વહેતી થતી હોય છે, પરંતુ થતું નથી. કેબિનેટના વિસ્તરણમાં દરેક પ્રાંતને એકસરખું મહત્ત્વ આપવું અને શિવસેનાને પણ સાચવી લેવાનું ભાજપ માટે અઘરું બને છે. વળી, જ્ઞાતિ-સમાજનાં સમીકરણો પણ ધ્યાનમાંં લેવા પડે છે. વળી, નવા પ્રધાનો પાસે ખાતાને સમજવાનો કે કામ કરવાનો સમય બહુ ઓછો છે. ચૂંટણી પહેલા તેમને સમય આપવો જરૂરી છે. ત્યારે હવે કેબિનેટનું વિસ્તરણ લગભગ મતલબ વિનાનું સાબિત થઈ શકે તેમ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત દરમિયાન આ વિષય પર ચર્ચા થઈ હતી અને શાહે લીલી ઝંડી આપી હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં રાજ્યના કૃષિ પ્રધાન પાંડુરંગ ફુંડકરનું નિધન થતા તેમનું પદ ખાલી પડ્‌યું છે. આ સાથે શિવસેનાએ આવનારી ગ્રેજ્યુએટ કૉન્સિટ્યૂઅન્સીની ટિકિટ ડૉ. દીપક સાવંતને ન આપતા તેમણે પણ રાજીનામું આપ્યું હતું. તેમની ટર્મ સાત જુલાઈએ પૂરી થશે. જો તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે તો તેમનું પદ પણ ખાલી થશે. જોકે કૃષિ વિભાગની જવાબદારી ચંદ્રકાન્તદાદા પાટીલને સોંપવામાં આવશે, તેમ માનવામાં આવે છે. ચોથી જુલાઈથી વિધાનમંડળનું ચોમાસું સત્ર શરૂ થનાર છે જે આ વર્ષે પહેલીવાર નાગપુર ખાતે થઈ રહ્યું છે. તે પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં તે ફડણવીસના વિદેશ પ્રવાસથી પરત આવ્યા પહેલા જ સ્પષ્ટ થશે.