પ. કચ્છના ત્રણ તાલુકામાં પાણીની તંગીને પહોંચી વળવા વહીવટ તંત્રે આગોતરા પગલા લીધા છે

નખત્રાણા : પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર ડી.એ. ઝાલાના પ્રમુખ સ્થાને પાણી સમિતિની બેઠક મળી હતી. જેમા આગામી સમયમાં વરસાદ ખેંચાય અને ત્રણ તાલુકામાં ગામોમાં પાણીની ખેંચ ઉભી થાય તે પહેલા આગોતરા પગલા લેવા હાકલ કરાઈ હતી.
તા.પં.ના પ્રમુખ નયનાબેન ડી. પટેલે નખત્રાણાના તમામ વિસ્તારોમાં સમયાંતરે પાણીની ખેંચ ઉભી થાય છે તે માટે નખત્રાણા પાણી- પુરવઠા ટાંકામાં નર્મદાના પાણી ભરવામાં આવેતો ખેંચ ના પડે તેવા સુચન કર્યા હતા. ઉપરાંત પાણીની મોટર કે યાંત્રીક ખામી, સ્પેર પાર્ટસના લીધે ચોમાસાની સીઝનમાં પાણી પુરવઠો ખોરવાય તો આવા સાધનો રીપેરીંગ ન હોયતો રીપેર કરાવી લેવા અને તાલુકામાં કોઈ પણ ગામમાં પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટે વિવિધ સુચનો કરાયા હતા.
ધારાસભ્ય પી.એમ. જાડેજાએ લાલા-બુડિયા, કારા તળાવ, રાયણધરપર, મમાયનગર, ટોડિયા, જતરાવાંઢ, જખૌ સહિતના ગામો અને વાંઢોમાં પાણીના પોકાર માટે ફરીયાદો મળીને નાની- મોટી પાણીની સમસ્યા ઉપરોક્ત ગામોમાં તાકિદે નિવારણ લાવવા કહ્યું હતું. ઉપરાંત તેરા જુથ્થ પાણી પુરવઠા હેઠળ આવતા ગામોમાં વિજ કટોકટીના કારણે સમસ્યા સર્જાઈ છે. માનવ સર્જીત હોતા તેનું નિરાકરણ લાવવા કહ્યું હતું અને ગેરકાયદેસર પાણી કનેક્શન હોય તો તે તપાસ કરી કાપી નાખવા સહિતના પગલા લેવા કહ્યું હતું. અન્ય પ્રશ્નો પણ તેમણે પાણી પુરવઠા તથા અન્ય કચેરીને લગતા રજૂ કર્યા હતા. આજની બેઠકમાં પાણી- પુરવઠાના અધિકારી એ.પી. તિવારી, તા.વિ.અ. શૈલેષભાઈ રાઠોડ, સે.બી. રાવત, પીરદાન સોઢા, વી.એસ. ગઢવી, જે.પી. જાડેજા, એન.વી. પટેલ, એમ.બી. ચૌધરી, મોહનસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.