પ્રિ-મોન્સુન કામગીરી ન થતા કચ્છમાં પીજીવીસીએલ તંત્ર ગયું ખાડે

સામાન્ય વરસાદ પડે અને ત્યા શહેરોથી માંડી ગામડાઓમાં લાઈટો થાય છે ગૂલ : અસરગ્રસ્તો જીઈબીની હેલ્પલાઈનમાં ફોન કરે ત્યારે હાજર સ્ટાફ દ્વારા અપાય છે ઉદ્ધતાઈ ભર્યો જવાબ : એક તો વીજળીના રૂપિયા ભરવા અને ઉપરથી પીજીવીસીએલની મનસ્વી નીતિનો સામનો પણ કરવો : ભુજમાં એક જ દિવસમાં વીજ વિક્ષેપની ૧૬પ જેટલી ફરિયાદો તંત્રની છતી કરે છે લાપરવાહી


ભુજ : કોરોના મહામારી અને તાઉતે વાવાઝોડાના કારણે સ્ટાફ પરોવાયેલો હોવાથી જીઈબી દ્વારા કચ્છમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી ન હતી, જો કે તે સમયે પીજીવીસીએલે એવો દાવો કર્યો હતો કે, વિજળીની કોઈ સમસ્યા રહેશે નહીં પરંતુ નેતાઓની જેમ સરકારી તંત્ર પણ હવે ખાડે ગયું છે. હાલમાં જયારે વરસાદની સીઝન છે તેવામાં જરા સહેજ ઝાપટુ પડે, પવનો ફુંકાય કે તરત જ વિજળી ગુલ થઈ જાય છે. શહેરોથી માંડી ગામડાઓમાં આ સમસ્યાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.લોકો બળાપો કાઢતા કહે છે કે એક તો જીઈબીને દર મહિને લાઈટના રૂપિયા ચુકવવા તેવામાં મનસવી રીતે લાઈટો આપવામાં આવતી નથી. ઘરે શુભપ્રસંગ હોય કે કોઈ કાર્યક્રમ ગમે ત્યારે વિજળી ચાલી જશે એની નીતિના કારણે પીજીવીસીએલથી લોકો કંટાળી ગયા છે. અરે જયારે લાઈટ ચાલી જાય ત્યારે કોઈ ફોન કરે કે કયારે લાઈટ આવશે ? તો માંડ માંડ ફોન ઉપડે છે અને ઉપડે તો પણ જો કે જવાબ અપાતો નથી. લાઈટ તો જાય અને આવે એના સમય ઉપર લાઈટ આવી જશે તમને શું ચિંતા છે, જેવા બેજવાબદાર જવાબ પીજીવીસીએલના સ્ટાફ દ્વારા અપાય છે. અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. તંત્રની લાપરવાહીની જો આંકડાકીય વાત કરીએ તો એકલા ભુજ શહેરમાં જ એક દિવસમાં પીજીવીસીએલને વીજ વિક્ષેપની ૧૬પ ફરિયાદો મળી હતી. આ આંકડો ઓછો એટલા માટે છે કે મોટાભાગના ફરિયાદના કોલ ઉપાડવામાં જ નથી આવતા.નાગરિકોની સુખાકારી માટે સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પીજીસીએલ કચેરી દ્વારા લાઈટ સબંધી કોઈ પણ ફરિયાદ કે પુછતાછ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેથી નાગરિકોને કોઈ પણ પરેશાની ન કરે પરંતુ પીજીવીસીએલ કચેરીના લાઈટ બંધ માટે પુછપરછ ફોન સુવિધામાં ફોન કરતાં ફોન રીસીવ કરતા કર્મચારી દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો મળતા હોવાથી નાગરિકોમાં ભારે રોષની લાગણી જન્મી છે.ભુજના સરપટ નાકા બહાર આવેલી એક કોલોનીમાં લાંબો સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતા અહીંના એક જાગૃત નાગરિક દ્વારા પીજીવીસીએલ કચેરીના પુછપરછ ફોન ઉપર સંપર્ક કરી લાઈટ બંધ રહેવા અંગે કારણ પુછતા ફોન ઉપાડનાર કર્મચારીના ઉદ્ધતાઈ ભર્યા જવાબથી હેબતાઈ ગયેલ હતા. પ્રજાની સુવિધા માટે સરકાર દ્વારા અપાતી સવલતોનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થાય તેવી ભાવનાને આવા કર્મચારીઓ દ્વારા અપાતા ઉદ્ધતાઈ ભર્યા જવાબોથી લોકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા કચેરીના ઉચ્ચ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરાઈ છે.