પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરાની રાજયમંત્રીએ તલસ્પર્શી મુલાકાત લીધી

૫૦૦  રેપિડ ટેસ્ટ કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કેરા ને અર્પણ કરાઈ

ભુજ તાલુકાના કેરા ગામે આજરોજ રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તલસ્પર્શી મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીશ્રીને આ તકે મોમ્બાસા-આફ્રિકા વસતા ગામના ઘનશ્યામભાઈ માવજીભાઈ ટપરિયા તેમજ સ્વ.હકૂમતસિંહ જાડેજાની યાદમાં દ્વારા અપાયેલ ૪૦૦ કોવિડ રેપિડ ટેસ્ટ કીટ સરપંચ શ્રી દિનેશભાઈ હાલાઈ અને જગદીશભાઇ હાલાઇએ તેમજ રાજયમંત્રીશ્રીએ પોતાના તરફથી ૧૦૦ કીટ થઇ કુલ ૫૦૦ રેપિડ ટેસ્ટ કીટ  કેરા આરોગ્ય કેન્દ્રને અર્પણ કરી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે આરોગ્ય કેન્દ્ર કેરા અંગે સ્થાનિક આગેવાનો તેમજ તાલુકા વહીવટી તંત્ર સાથે વાતચીત કરી આસપાસના ગામોની આરોગ્ય અને કોવિડ ની  પરિસ્થિતિ તેમજ તેના માટે ઉભી કરાયેલી વ્યવસ્થા માટેનો તાગ મેળવ્યો હતો.  રાજ્યમંત્રીશ્રીએ અગ્રણીઓ અને આરોગ્ય તેમજ વહીવટીતંત્રના  અધિકારીઓ સાથે ઇન્ચાર્જ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા સાથે કેરા,બળદિયા,ગજોડ, ભારાપર,જદુરા, સુરજપર,સેઢા જેવા ગામોની પ્રવર્તમાન સ્થિતિ બાબતે વિગતે વાકેફ થયા હતા. સ્થાનિક આગેવાનોની ગામના નવું સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની રજૂઆતને રાજ્યમંત્રીશ્રી ધ્યાને લઇ તેને પદ્ધતિસર સરકારમાં રજૂ કરવા જણાવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.રઇયાબેન આહીર પાસેથી સ્થાનિક આરોગ્ય સંબંધી અને કોરોના સંબંધી ઉપલબ્ધ સુવિધાઓ બાબતે પૃચ્છા કરી જાણકારી મેળવી હતી તેમજ વેક્સિનેશન અને રેપીડ કીટ બાબતે પણ ઉપસ્થિતો સાથે ચર્ચા કરી હતી ગામના તેમજ વિદેશ વસતા દાતાઓની જરૂર પડે જનસહયોગ અને મદદની માહિતી તેમણે સરપંચ શ્રી દિનેશભાઈ હાલાઈ અને અગ્રણીઓ પાસેથી મેળવી હતી .  આ તકે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સહિત તાલુકા પંચાયત સદસ્યશ્રી ડાહ્યાલાલ હમીર મહેશ્વરી,તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડ,તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનોજ પરમાર,મદદનીશ જિલ્લા મેનેજર ભુપેન્દ્ર મકવાણા, અગ્રણીશ્રી જગદીશભાઈ હાલાઈ, બ્લોક ફારમાસિસ્ટ કિર્તન ચૌહાણ,હેલ્થ વર્કર તેમજ રસી લેનાર અને ટેસ્ટ કરાવનાર ગ્રામજનો હાજર રહ્યા હતા.