પ્રાકૃતિક સંસાધનોનો દુરૂપયોગ આગામી પેઢીનો વિકાસ રૂંધી નાખશે

આઝાદીના ૭પ વર્ષની પૂર્ણાહૂતિના સંદર્ભમાં ‘હોમ્સ ઈન ધ સિટી’ અને ‘ભુજ બોલે છે’ દ્વારા વાર્તાલાપ ભાગ-રનું આયોજન કરાયું

ભુજ  : મનુષ્ય દ્વારા પ્રકૃતિને જેટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની ભરપાઈ કરવી અશ્યક છે અને જાે આ જ રીતે પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ થતો રહ્યો તો આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે’ જાણીતા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ આ અગમવાણી ભુજમાં આયોજિત ‘આપણા પ્રાકૃતિક સંસાધનોની દશા અને દિશા’ વર્તાલાપમાં કરી હતી.
આઝાદીના ૭પ વર્ષની પૂર્ણાહૂતિના સંદર્ભમાં ‘હોમ્સ ઈન ધ સિટી’ અને ‘ભુજ બોલે છે’ દ્વારા આયોજિત વાર્તાલાપ ભાગ-રનો ઉદેશ્ય સ્પષ્ટ કરતા સંદીપભાઈ વીરમાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં પહેલાંના સમયમાં સમુદાયોને ઈકો સિસ્ટમ સાથે કેવી રીતે તાલમેલ મેળવીને જીવવું તેનો ખ્યાલ હતો, પરંતુ જ્યારથી ઔદ્યોગીકરણ થયું છે ત્યારથી સમગ્ર ઈકો સિસ્ટમ અને તેના લોકો સાથેના તાલમેલમાં વિક્ષેપ સર્જાયા છે. આ પરિસ્થિતિમાં આપણા પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે વાર્તાલાપનું આયોજન કરવું અનિવાર્ય બની રહ્યું છે.
આ વિચારમંચના મુખ્ય વક્તા અને ભારતમાં પરમાણુ વિરોધી ચળવળના સક્રિય કાર્યકર્તા રોહિત પ્રજાપતિએ માનવસર્જિત પરિબળોના કારણે પ્રકૃતિને થઈ રહેલા નુકસાનને શરમજનક લેખાવતા જણાવ્યું હતું કે, આઝાદીના ૭પ વર્ષ પૂરાં થઈ ગયા છે ત્યારે વિકાસને બદલે આપણી પાસે ન તો શુદ્ધ હવા-પાણી છે અને ના તો આરોગ્યપ્રદ ખોરાક ! એક તરફી ઝડપી વિકાસમાં તાલમેલ મીલાવવાનું દબાણ અને બીજી તરફ પોષણક્ષમ પર્યાવરણ અને આહારના અભાવમાં આપણી આગામી પેઢીનો વિકાસ રૂંધાઈ રાહ્યો છે. ર૦૧૯ના ભારત સરકારના અહેવાલ મુજબ જાે આપણે આમ જ કચરો વધારતા રહેશું તો ટુંક સમયમાં આખા દેશની ધરતી પણ ઓછી પડશે એવું જણાવતા રોહિતભાઈએ આગામી સમયમાં નવા મકાનોમાં આરઓ સિસ્ટમની જેમ ઓક્સિજન મશીન પણ લગાવવા પડશે એવો માર્મિક વિચાર વ્યક્ત કર્યો હતો.
પવનચક્કીને ભલે ગ્રીન ઉદ્યોગનું નામ આપવામાં આવ્યું હોય પણ લીલાંછમ જંગલોના ભોગે આ તે કેવો ગ્રીન ઉદ્યોગ ?! સાંગનારા ગામમાં ફરી એકવાર પવનચક્કીના મુદ્દાએ માથું ઉચકતા સાંગનારા ગામના જાગૃત નાગરિક શંકરભાઈ લીંબાણીએ કપાઈ રહેલા જંગલોની ચિંતા સેવતા જણાવ્યું હતું કે, ર૦૧પમા સાંગનારામાં સુઝલોન કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવા માટે જમીન માગવામાં આવી ત્યારે માહિતીના અભાવે ગામલોકોએ જમીન આપી હતી, પરંતુ સરકારી આંકડા મુજબ માત્ર ૭-૮ પવનચક્કીઓ ઊભી કરવા માટે આઠ હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે એ કેટલા અંશે સહ્ય છે ? પવનચક્કીઓ ઊભી કરવા મળે એ માટે જંગલખાતાની વનસ્પતિઓથી યુક્ત જામીન પર માત્ર ગાંડો બાવળ જ છે એવું દર્શાવવામાં આવ્યું છે જે જંગલ વિસ્તારના વિનાશની ટકોર કરે છે જે કામ ર૦૧પથી ર વર્ષમાં પૂરું કરવાનું હતું એ આટલા વર્ષો પછી ફરીથી હાથ ધરાયું છે પણ આગામી પેઢીના વિકાસને રૂંધીને સાંગનારાની જમીન પર પવનચક્કીઓ ઊભી નહીં થવા દઈએ એવો નિર્ધાર ગામલોકો વતી શંકરભાઈએ વ્યક્ત કર્યો હતો.
પર્યાવરણના મુદ્દે આવી જ ચિંતા વ્યક્ત કરતા બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના ઈશાભાઈ મુતવાએ બન્નીના ઈતિહાસને ટાંકીને જણાવ્યું હતું કે, એક સમયે વિશ્વભરમાં જે બન્ની પોતાના ઘાસીયા મેદાનોને કારણે ઓળખાતી હતી આજે ત્યાં હરિત ક્રાંતિના નામે ગાંડા બાવળોએ ભરડો લીધો છે ! એટલું ઓછું હોય તેમ મુખ્યમંત્રી ઘાસચારા યોજના હેઠળ બંજર જમીનને નવસાધ્ય કરવાના નામે ઘાસીયા જમીનને ખોદીને ઘાસનો સોથ વાળવામાં આવી રહ્યો છે. ઘાસીયા મેદાનોમાં વધી રહેલા ગાંડા બાવળે માત્ર ઈકો સિસ્ટમને જ નહીં, પરંતુ બન્ની માલધારી સમુદાયના પશુઓને નુકશાન પહોંચાડીને તેમની પરંપરાગત આજીવિકાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું દુઃખ ઈશાભાઈએ વ્યક્ત કર્યું હતું.
જે રીતે ગૌચર જમીનો પર દબાણ થઈ રહ્યા છે એ જ રીતે ચેરિયાનું પણ નિકંદન નીકળી રહ્યું હોવાની વાત કરતા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, જેને વિશ્વ સ્તરે માન્યતા મળી છે એવા કચ્છના ખારાઈ ઊંટના મુખ્ય ખોરાક ચેરિયાને નાબૂદ કરવાથી માત્ર ઈકો સિસ્ટમ જ નહીં પરંતુ ઊંટપાલકોનું જનજીવન પણ ખોરવાઈ જશે ! આપણે પ્રકૃતિનો જે રીતે દુરુપયોગ કરી રહ્યા છીએ એના પરિણામે આજે આપણે અનેક કુદરતી વિષમત્તાઓનો સામનો કરીરહ્યા છીએ તેવું તેમણે ઉમેર્યંુ હતું.
ભુજના જળસ્ત્રોતના સંરક્ષણ માટે ચિંતિત યુવા પર્યાવરણપ્રેમી શિરાજ ગોહિલે જણાવ્યું હતું કે, રાજાશાહી સમયથી ભુજમાં પાણી માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવાયેલી હતી, પરંતુ તંત્રની ઉપેક્ષાના કારણે આજે એ આખી વ્યવસ્થા નામશેષ બની છે. એટલું અપુરતું હોય તેમ ભુજના તળાવો પર બાંધકામ તેમજ તળાવોની જમીનોના હેતુફેર કરી અન્ય ઉપયોગમાં લેવાની પ્રક્રિયા ખરેખર આઘાતજનક છે. શહેરના કેટલાક જાગૃત્ત નાગરિકો અને સંસ્થાઓ સક્રિય ભૂમિકા ભજવી રહી છે, પરંતુ જાે સહિયાચારા પ્રયાસ થશે તો જ આપણા પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ શક્ય બનશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
વાર્તાલાપના નિચોડ સ્વરૂપે બોલતા પર્યાવરણ સુરક્ષા સમિતિના કૃષ્ણકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, આપણે સૌએ વિકાસની પરિભાષા સમજવાની જરૂર છે કારણ કે જાે તળાવો, ગૌચર જેવી કુદરતી સંપદાઓનો ભોગે જાે વિકાસ થાય તો એ કેટલાં અશેં યોગ્ય છે ? ! કચ્છ પોતાની સંસ્કૃતિથી ઓળખાય છે. એવા કચ્છની તળાવ સંસ્કૃતિનો વિનાશ અસહ્ય છે. એકતરફ વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે અને બીજી તરફ ઔદ્યોગિક એકમો માટે અસંખ્ય વૃક્ષોના નિકંદન માટે પરવાનગી અપાય છે. આ વિરોધાભાસ ખરેખર વિનાશકારી બની રહેશે. એક તરફ કચ્છને સુષ્ક પ્રદેશ કહેવામાં આવે છે અને બીજી તરફ પાણીની ખપત ધરાવતી વિશાળ કંપનીઓ કચ્છમાં ઊભી કરવામાં આવે છે ! એ કેટલા અંશે વ્યાજબી છે કે જ્યાં પીવાના પાણીની અત્યંત તાણ છે ત્યાં હજારો લીટર પાણી કંપનીઓને ફાળવી દેવામાં આવે. શહેર કે ગામ તેમાં રહેતા લોકોથી બને છે નહીં કે માળખાગત સુવિધાઓથી અને એટલે જ આપણે એકજૂઠ બનીને આપણી ઈકો સિસ્ટમને પુનઃ જીવીત કરવાના પ્રયાસો કરવા પડશે. આ વાર્તાલાપમાં ભુજના પ્રબુદ્ધ નાગરિકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.