પ્રભારીમંત્રીએ અબડાસાની પ્રાંત કક્ષાની સમીક્ષા બેઠકમાં લોકલક્ષી ઝડપી નિર્ણયો લેવા અધિકારીઓને કરી તાકીદ

મંત્રી દિલિપભાઈ ઠાકોર સમક્ષ નલિયા મધ્યે નીતિ વિષયક સહિત ૩પ પ્રશ્નો થયા રજુ

 

નલિયા : કચ્છના પ્રભારી અને શ્રમ-રોજગાર, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલિપભાઈ ઠાકોર દ્વારા અબડાસા પ્રાંત અધિકારી કક્ષાની સમીક્ષા બેઠકમાં સરકારની નીતી વિષયક સહિત ૩પ પ્રશ્નો રજુ થયા હતા જે અંગે મંત્રીશ્રી દ્વારા અધિકારીઓને લોકલક્ષી ઝડપી નિર્ણયો લેવા તાકીદ કરી હતી.
અબડાસા પ્રાંત કચેરી મધ્યે સમીક્ષા બેઠકના પ્રારંભે કચ્છના પ્રભારી મંત્રીશ્રી દિલિપભાઈ ઠાકોરે ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારનો અભિગમ દરેક તાલુકામાં જઈ સ્થાનિક લોકોના રોજબરોજના પ્રશ્નોનો તાકીદે અને સ્થાનિકકક્ષાએ નિર્ણય આવે તે હેતુથી સમીક્ષા બેઠક કરવામાં આવે છે.તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે આપણે પ્રજાના ટ્રસ્ટીઓ છીએ.આ પ્રથમ બેઠક છે અને હવે તેઓ દ્વારા નિયમિત આવી બેઠકો યોજવામાં આવશે.
પ્રશ્નોની શરૂઆત કરતા જી.પં.વિપક્ષી ઉપનેતા કિશોરસિંહ જાડેજાએ તાલુકામાં ઘાસચારા અને પાણીની તકલીફ, સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોની ઘટ, શાળાઓમાં શિક્ષકોની ઘટના પ્રશ્નો રજુ કર્યા હતા.પીજીવીસીએલના તંત્ર દ્વારા જુના વિજ તારો બદલવામાં થતા વિલંબ અને એક ખેડુતને એજી કનેક્શનના ર૦૧૬માં પૈસા ભર્યા બાદ હજુ સુધી કનેક્શન મળેલ નથી જ્યારે સરકારી ચોપડે કનેક્શન અપાયાનું અને બીલ આવતુ હોવાની રજુઆત નલિયાના તાલુકા પંચાયત સભ્ય જયદિપસિંહ જાડેજાએ કરતા મંત્રીએ આવા કેટલા કિસ્સા છે તેની માહીતી માંગી હતી અને અધિકારીઓને આ પ્રશ્ને તાત્કાલિક નિવેડલ લાવવા તાકીદ કરી હતી.વાડીલાલભાઈ પોકારે તાલુકાની એપીએમસીનો વરસોથી અટકેલા કામના લીધે ખેડુતોને થતી તકલીફની રજુઆત કરી હતી.માં અન્નપુરણા યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓની રજુઆત પણ કરાઈ હતી.
પરેશસિંહ બનુભા જાડેજા દ્વારા ખાનગી કંપની ક્રેડો દ્વારા નરેડી જુથ પાણી પુરવઠા યોજનામાંથી ગેરકાયદેસર પાણીનું કનેક્શન મેળવી રોજના ૧ લાખ લીટર પાણીની થતી ચોરીની રજુઆત કરાતા મંત્રીશ્રી દ્વારા આવા પાણીચોરીના કિસ્સાઓમાં તડીપાર સહિતના કડક પગલા લેવા અબડાસાના પ્રાંત અધિકારીશ્રીને તાકીદ કરવા સાથે પાણી પુરવઠાના ના.કા.ઈ.ને જવાબદારી ફિક્સ કરવા સુચના આપી હતી.તા.પં.કારોબારી ચેરમેન મહેશોજી સોઢા દ્વારા વાયોરના ગામતળના ઈન્દિરા આવાસના બનેલા ગામતળના મકાનોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કબજો કરી લેવાયો હોવાની રજુઆત કરી હતી.સાથે કનકાવતી ડેમના રસ્તા સહિતની રજુઆત કરી હતી.ભાનાડા સરપંચ દ્વારા ૬૬ કેવીના ભાનાડા સબ-સ્ટેશનનું કામ વનખાતાની એન.ઓ.સી.ના લીધે અટક્યાની રજુઆત કરાઈ હતી.વમોટીનાની સરપંદ દ્વારા માધ્યમિક શાળાના મકાન અંગે તથા જુથ પચાયતના દબાણ ગામે વિધાર્થીઓ માટે બસની રજુઆત કરાઈ હતી.વેરશીંભાઈ સંજોટ દ્વારા અનુ.જાતિના નલીયા સહિતના જીલ્લાના છાત્રાલયોમાં ગૃહપતિની ખાલી જગ્યાની, ખેતશીભાઈ માસ્તર દ્વારા જમીન સાંથણી કચેરીની, તાલુકા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને મહામંત્રી અરવીંદ શાહ દ્વારા ખેડુતોના ફેન્સિંગના બીલોની રકમ મંજુર ન થતા હોવાની તથા ર ગુંઠા કુવાની જમીનોનો પ્રશ્ન, સિંચાઈના ડેમો રીપેરીંગ સહિતની ઢગલાબંધ રજુઆતો થઈ હતી.નલીયા મધ્યે દોઢ કરોડના ખર્ચે બનેલ ટાંકાનું એક વરસ પહેલા કામ પુર્ણ થવા છતા કાર્યાન્વિત નહીં થવાની, નલીયાની ગટર યોજના, સી.સી.રોડ સહિતની રજુઆત થઈ હતી. મંત્રીશ્રી સાથે જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, પ્રાંત અધિકારી ડી.એમ.ઝાલા, મામલતદારશ્રી પુજારા, ટીડીઓ કે.કે.પંડયા, મોહનભાઈ પુરખા, વન ખાતાના આર.કે.સોઢા, વી.બી.ઝાલા, સિંચાઈના રાઠીભાઈ તથા પરમારભાઈ, પીજીવીસીએલના વોરાભાઈ, પાણી પુરવઠાના રાઠવા સહિત વિવિધ ખાતાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.