પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કચ્છમાં ગ્રામીણ ક્ષેત્રમાં ૧૦પ૬ ઘરના લક્ષ્યાંક સામે માત્ર ર૯૯ ઘર તૈયાર

લક્ષ્યાંક સામે ૧ર૭૧ લાભાર્થીઓનું કરાયું રજીસ્ટ્રેશન : ૯૪૬ મકાનોનું કામ પ્રગતિમાં, લાભાર્થીઓને એક હપ્તો ચૂકવાયો

 

 

કઈ રીતે અપાય છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય

ભુજ : કચ્છમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કામગીરી કરાઈ રહી છે. જેમાં ડીઆરડીએના નિયામક શ્રી જોષીએ જણાવ્યું હતું કે, સામાજિક-આર્થિક સર્વેક્ષણની યાદી તૈયાર કરીને આ યોજના પેટે ૪ હપ્તામાં રૂા.૧.ર૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં સહાય આપવાનું મંજુર થાય ત્યારે કામ શરૂ કરવા પ્રથમ ૩૦ હજારનો હપ્તો અપાય છે. એ પછી લેટર લેવલે કામગીરી પહોંચી જાય એ પછી પ૦ હજારનો બીજો હપ્તો અપાય છે. રૂફ લેવલનું કામ થઈ ગયા બાદ ૩૦ હજારનો ત્રીજો હપ્તો અને જ્યારે છેલ્લે તમામ કામ પૂર્ણ થઈ જાય ત્યારે ૧૦ હજારનો છેલ્લો હપ્તો ચૂકવવામાં આવે છે.

 

 

 

ભુજ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે. જેમાં બે વર્ષમાં ૧૦પ૬ મકાનોના લક્ષ્યાંક સામે હજુ માત્ર ર૯૯ મકાન જ પૂર્ણ થયા છે. જોકે અન્ય મકાનોની કામગીરી પ્રગતિમાં છે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબોને ઘરના ઘર   રૂપી આવાસ મળી રહે તે માટે યોજના અમલી બનાવાઈ છે. જેમાં સરકાર તરફથી રપ ચો.મી. વિસ્તારમાં ઘર બનાવવા માટે ૧.ર૦ લાખની સહાય જરૂરત મંદોને આપવામાં આવે છે. જેમાં સરકાર તબક્કાવાર ૪ હપ્તા આપીને રકમનું ચુકવણું કરે છે. ત્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮માં બે વર્ષ માટે ૧૦પ૬ મકાનો બનાવાનું લક્ષ્યાંક અપાયું હતું. જેની સામે ૧ર૭૧ અરજદારોનું રજીસ્ટ્રેશન થયું છે. આ અંગે વધુ વિગતો આપતા ડીઆરડીએના નિયામક પી.આર. જોશીએ જણાવ્યું હતું, કચ્છમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવાની કામગીરીમાં ૧૦પ૬માં લક્ષ્યાંક સામે વધુ રજીસ્ટ્રેશન થતા પાત્રતાના ધોરણે ૧ર૪પ મકાનોનું કામ ચાલી રહ્યું છે. જેમાંથી ર૯૯ મકાનોનું કામ પૂર્ણ થઈ ચૂકયું છે અને ર૦પ જેટલા લાભાર્થીઓને તમામ રકમ  પણ ચૂકવી દેવાઈ છે. જ્યારે ૯૪૬ મકાનોનું કામ પ્રગતિમાં છે. જેમાં તમામ લાભાર્થીઓને પ્રથમ હપ્તાની સહાય ચૂકવી દેવાઈ છે. જ્યારે પ૦૦ની આસપાસના લાભાર્થીઓને બીજો હપ્તોપણ આપી દેવાયો છે. જેમ જેમ કામગીરી આગળ વધતી જાય છે તેમ તેનું સર્વે કરીને સરકાર તરફથી આવતી સહાય તબક્કાવાર આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની કામગીરી સારી રીતે ચાલતી હોવાનું તેમણે ઉમેર્યું હતું.