પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કચ્છના લઘુમતિ લાભાર્થીઓની બાદબાકી

ધારાસભ્ય દ્વારા આયોજનના કામો રોકી દેવાયા બાદ વધુ એક વખત અબડાસા સાથે ઓરમાયુ વર્તન : અબડાસા સાથે સમગ્ર કચ્છના લઘુમતી લાભાર્થીઓની બાદબાકી થઈ હોઈ ભાજપ – કોંગ્રેસ બંને પક્ષના લઘુમતિ અગ્રણીઓ લાલધુમ

ભુજ : પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાલુ વર્ષના કચ્છના દશ તાલુકાઓમાં લઘુમતિ લાભાર્થીઓની બાદબાકી સાથે સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનની આ યોજનામાં લઘુમતિઓની બાદબાકી થઈ જતા ભાજપ – કોંગ્રેસ બંનેના લઘુમતિ નેતાઓ લાલધુમ બની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાના મુડમાં છે. કચ્છના દશે – દશ તાલુકામાં લઘુમતી અગ્રણીઓ તંત્રનું ધ્યાન દોર્યું છતાં કોઈ ઉકેલ નહી.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં રૂા.ર.૬૭ લાખની સબસીડી સીધી ચુકવી દેવાય છે પણ છેવાડાનો અબડાસા વિસ્તાર એક પણ શહેરી વિસ્તાર ધરાવતો નથી અને સંપુર્ણ વિસ્તાર ગ્રામ વિસ્તારમાં આવતો હોઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ગ્રામ પંચાયત મારફતે યાદી નક્કી કરી ફાઈનલ કરાતા હોય છે. આવી યાદી ઉચ્ચ કક્ષાએ મોકલી દેવાયા બાદ અબડાસામાં ચાલુ વરસે એટલે કે વર્ષ ર૦-ર૧ માટે ૧૩૯ લાભાર્થીઓનો ટાર્ગેટ અપાયો છે જેમાં અનુ.જાતિ અને જાન જાતિ માટે ર૧ લાભાર્થી અને અન્ય માટે ૧૧૮નો ટાર્ગેટ અબડાસા તાલુકા પંચાયત હસ્તક આપવામાં આવેલ છે. આ લક્ષ્યાંકમાં લઘુમતિ લાભાર્થીઓ માટે નીલ જોગવાઈ રાખવામાં આવી હોય તે સામે ભાજપ – કોંગ્રેસ બંનેના લઘુમતિ અગ્રણીઓમાં નારાજગી સાથે ઉચ્ચ કક્ષાએ આ અંગે ન્યાય મેળવવા માટે રજુઆત કરવા ટેલીફોનીક ચર્ચા થઈ રહી છે અને થોડા સમયમાં મોટી લડત આ અંગે સમગ્ર કચ્છમાં શરૂ થાય તેવા ચિહ્નો દેખાઈ રહ્યા છે.કચ્છના અબડાસા તાલુકો જ નહિ કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર કચ્છના દશે-દશ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લઘુમતિ લાભાર્થીની બાદબાકી કરી દેવામાં આવી છે. આ ટેકનિકલ ભુલના કારણે લઘુમતીઓમાં નારાજગી જોવા મળી છે. આથી અગાઉ અબડાસાના ધારાસભ્ય દ્વારા આયોજનના વિકાસ કામો અબડાસાના રોકી દેવાતા વિકાસકામો ટલ્લે ચડી રહ્યા છે. ત્યારબાદ હવે અબડાસા સહિત સમગ્ર કચ્છમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લઘુમતિ સમાજની સમુળગી બાદબાકી કરી દેવાતા રોષની લાગણી વ્યાપી જવા પામી છે. બંધારણીય અધિકાર સમાન તમામ વર્ગ અને સમાજના કલ્યાણ માટેની કેન્દ્ર સરકારની ગરીબોના કલ્યાણની આવાસ યોજનામાં એક માત્ર લઘુમતિ સમાજની બાદબાકી કરી દેવાતા તેના ઘેરા પડઘા સમગ્ર કચ્છમાં પડયા છે અને એક મોટી ચળવળ આ અન્યાય વિરૂધ્ધ શરૂ થાય તેવા ચિહ્નો મળી રહ્યા છે. રાજકીયના ઈશારે અમુક અધિકારીઓ વિરૂધ્ધ આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ રજુઆત અમુક અગ્રણીઓ દ્વારા કરવાની હિલચાલ હાથ ધરાઈ છે.આ બાબતે ડીઆરડીએ નિયામક શ્રી જોષીને પુછતાં તેઓએ જણાવ્યું કે, આ ટેકનિકલ ઈસ્યુ છે. ન માત્ર કચ્છ પરંતુ રાજ્યમાં આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. સોફટવેરમાં લાભાર્થીઓનો લક્ષ્યાંક દેખાતો નથી. જેથી સ્ટેટ લેવલે ટેકનિકલ ટીમ આ વિષય પર કામ કરી રહી છે. સિસ્ટમ રિસેટ થયા બાદ લઘુમતિ લાભાર્થીઓને યોજનામાં સમાવી લેવાશે તેવું ઉમેર્યું હતું.